
સુરત, 5 મે : સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં ગત 12મી ફેબ્રુઆરીએ અત્યંત ચકચારી કહી શકાય તેવી ઘટના ઘટી હતી. જેમાં,ગ્રીષ્મા વેકરિયાની તેના ઘરે જઈને ફેનિલ ગોયાણીએ જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ હિચકારી ઘટનાના ફક્ત ગુજરાત જ નહીં પરંતુ, સમગ્ર દેશમાં ઘેર પડઘા પડ્યા હતા. આ ચકચારી ઘટનામાં આજે ગુરુવારે કોર્ટ દ્વારા ચુકાદો આવવાનો હોઈને સૌની તેના પર નજર હતી.આખરે કોર્ટે આજે આ હત્યાકાંડમાં ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે અને આ ઘટનાને ‘ રેરેસ્ટ ઓફ ઘી રેર ‘ ગણાવી છે. જોકે, આ ચુકાદા બાદ પણ ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો.નામદાર જજએ તેમના ચુકાદાની શરૂઆત મનુસ્મૃતિના શ્લોકથી કરી હતી.નામદાર જજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના 28 વર્ષના કાર્યકાળમાં આ અત્યંત ક્રુરતાપૂર્વકની ઘટના હતી.દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.બીજી તરફ આ ચુકાદા બાદ ગ્રીષ્માનાં પિતાએ સજળ નયને તેમની પુત્રીને ન્યાય મળ્યો હોવાનો અને આ ઘટનામાં મદદ કરનારા સૌ કોઈનો આભાર માન્યો હતો.જયારે, કોર્ટના પરિસરમાં ઉપસ્થિત રહેલા ગ્રીષ્માનાં માતા સહિતના પરિવારજનો આ ચુકાદા બાદ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.આ ચુકાદાને સમાજના તમામ વર્ગના લોકોએ આવકાર્યો છે.

આ ચુકાદા અંગે સરકારી વકીલ નયન સુખડવાલાએ મીડિયા કર્મીઓને જણાવ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા કલમ 302, 307 સહિત વિવિધ કલમોના આધારે સજા ફટકારવામાં આવી છે.આ સજા સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને ગ્રીષ્મના પરિવારને કમ્પનસેશન મળે તે માટે પણ ભલામણ કરી છે.નામદાર કોર્ટ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ઘટના પૂર્વ તૈયારી સાથે બની છે.ઘટના ઘટી ત્યારે ગ્રીષ્માનાં ભાઈ, કાકા પર હુમલો કરીને આરોપીએ તેમને નિઃસહાય કરી દીધા હતા.ગ્રીષ્માનાં ગળા પર બે વાર ચાકુ ફેરવી ત્રીજી વારે તેના ગળા પર આરોપી ફેનિલે ક્રૂરતાપૂર્વક ચાકુ ફેરવ્યું હતું.ગ્રીષ્માનાં ગળામાંથી લોહીના ફુવારાઓ ઉડ્યા હતા.જોકે, આટલું કર્યા બાદ પણ આરોપીને કોઈ પસ્તાવો થયો ન હતો અને હત્યા બાદ આરોપી કોઈ વસ્તુ ત્યાં ઉભો રહીને ખાતો હોય તેવું પણ વીડિયોમાં નજર પડ્યું છે.ટ્રાયલ દરમિયાન પણ આરોપીની વર્તણુક પરથી જણાતું હતું એક તેને કોઈ અફસોસ નથી.
સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે આરોપીની તમામ વર્તણૂકની નોંધ કરી હતી.નામદાર જજે આ ચુકાદા સાથે યુવા પેઢીને સંદેશો પણ આપ્યો છે કે આજની યુવા પેઢી મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. હિંસક ઘટનાઓ જોવે છે.પુખ્ત વિચારણાના અંતે જ આચૂકાદોઃ આપવામાં આવ્યો છે.સ્પીડી ટ્રાયલ દરમિયાન પણ આરોપીના કોઈ હકનું નુકશાન થયું નથી.આ નિંદનીય હત્યા હતી.ગ્રીષ્મા હત્યા કેસમાં પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો છે.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ હિચકારી ઘટનામાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ 70 દિવસમાં જ ચુકાદો આપવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ અને સંબંધિત તમામ સરકારી વિભાગોએ ત્વરિત અને પ્રશંસનીય કામગીરી કરી છે.આ સમગ્ર ચુકાદો 506 પાનામાં આપવામાં આવ્યોછે.ત્યારે, આ ચુકાદાને સૌ કોઈએ આવકાર્યો છે.જોકે, સાથે સાથે સૌ કોઈએ એ પણ જણાવ્યું હતું કે આ ચુકાદા બાદ આરોપીને ત્વરિત ગતિએ ફાંસીએ આપવામાં આવે જેથી સમાજમાં એક દાખલો બેસે.ન્યાયિક પ્રક્રિયામાં લાંબો સમય ન વેડફાય તેવી લાગણી પણ લોકાઓ વ્યક્ત કરી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત