સુરત : સ્વ.ગ્રીષ્મા વેકરિયાના પરિવારજનોની ગૃહરાજ્યમંત્રી સંઘવીએ લીધી મુલાકાત

સ્થાનિક
Spread the love

સુરત, 6 મે : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા વિસ્તારમાં ગત તા.12મી ફેબ્રુઆરી-2022ના રોજ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાનાં કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને તા.5મી મે એ ફાસ્ટટ્રેક કોર્ટે દોષિત ઠેરવી ફાંસીની સજા આપી હતી. જેના અનુસંધાને આજરોજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સ્વ.ગ્રીષ્માના પરિવારજનોના નિવાસસ્થાને જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ વેળાએ ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરતાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતાં. “ગ્રીષ્માના હત્યારાને ખૂબ જ ઝડપથી ફાંસીની સજા મળશે” તેવું તેના પરિવારને આપેલું વચન પૂર્ણ થવાનો મંત્રીએ સંતોષ વ્યકત કર્યો હતો. પરિવારને મળીને ગૃહમંત્રી પણ આંસુઓને રોકી ન શકતાં ભાવુક થયા હતા.

મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, રાજય સરકારની દૃઢ ઈચ્છાશકિતના પરિણામે હત્યા કેસમાં સુરતની દીકરીને સૌથી ઝડપી ન્યાય મળ્યો એ જ સ્વ.ગ્રીષ્માને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમણે વધુમાં કહ્યું કે, ગ્રીષ્મા સાથે જે અઘટિત ઘટના બની તેનો ખુબ અફસોસ છે, પરંતુ પરિવારને ન્યાય અપાવવા અને આરોપીને કડક સજા કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તેમની સમગ્ર ટીમે રાતદિવસ મહેનત કરી ફક્ત 82 દિવસમાં તેનું પરિણામ આપ્યું, જેથી ગુજરાતમાં ન્યાય ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચાયો છે.ગુનાહિત માનસિકતા ધરાવતા અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ ગુનેગારોને રાજ્ય સરકારનો કડક સંદેશ છે કે કોઈપણ ગુનેગારને સરકાર, પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર સાથે મળીને કડકમાં કડક અને ઝડપી સજા ફટકારશે. રાજ્યમાં અનેક કેસોમાં રેકોર્ડ બ્રેક ટાઈમમાં ચાર્જશીટ ફાઇલ કરી, ગુનેગારોને ત્વરિત સજા થાય તેવા કિસ્સા બન્યા છે, અને આ જ રીતે સરકાર ગુનેગારોને નશ્યત કરવાં કામ કરતી રહેશે.

ગુનાઈત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં એવું સ્પષ્ટપણે જણાવતાં મંત્રીએ ગુજરાતની શાંતિ અને અસ્મિતાને જાળવી રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોર્ટનો આ નિર્ણય ગુજરાતની તમામ દીકરીઓને ન્યાય અને સુરક્ષા અપાવતો નિર્ણય છે. આ સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા બદલ પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા”

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, હત્યા કેસમાં સુરતની દિકરીને સૌથી ઝડપી ન્યાય મળ્યો એવા કોર્ટના આ મહત્વના ચુકાદાથી અપરાધી માનસિકતા ધરાવતા તત્વોમાં ડર પેદા થયો છે. રાજ્યના તમામ નાગરિકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસ હમેશા કટિબદ્ધ રહી છે.રાજ્યના તમામ માતા-પિતાઓને પોતાના પુત્રો પર ખાસ ધ્યાન રાખે અને તે કોઈ ખોટી દિશામાં જતો હોવાનું જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. પોલીસની ટીમ યુવાઓને ગુનાની દુનિયામાં પ્રવેશતા અટકાવવા તમામ પ્રયત્નો કરશે.

ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરિયાએ કહ્યું કે, અમારી વ્હાલી દીકરીને આજે ખરા અર્થમાં ન્યાય મળ્યો એની ખુશી છે, પરંતુ તે અમારાથી હંમેશા માટે દૂર જતી રહી છે, તેનું ખુબ દુઃખ છે. ગૃહરાજ્યમંત્રીએ આ દુઃખના સમયે ખુબ સાથ-સહકાર આપ્યો હતો, તેમજ આ કેસમાં અમને ઝડપી ન્યાય અપાવવા રાજય સરકાર, પોલીસ ખાતાના અધિકારીઓ સહિત તમામ પ્રત્યે હૃદયથી આભાર વ્યકત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.5મીએ સુરતની નીચલી કોર્ટ દ્વારા ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજના તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી ગ્રીષ્માના માતા-પિતાની તેમના નિવાસસ્થાને મુલાકાત કરી સ્વ.ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ વેળાએ કૃષિ રાજયમંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા, ડે.મેયર દિનેશ જોધાણી, સુરત રેન્જના એડિશનલ ડી.જી. ડો.એસ.પી.રાજકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોયસર, ડીવાય.એસપી. વનાર, સરકારી વકીલ નયન સુખડવાળા, અગ્રણી કાળુ ઈટાલીયા, કોર્પોરેટેરો, સામાજિક અગ્રણીઓ, વેકરિયા પરિવારના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *