સુરત : શહેર-જિલ્લામાં ગંગાસ્વરૂપા સહાય યોજના તથા વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા જિલ્લા કલેકટરનો અનુરોધ

સ્થાનિક
Spread the love

સુરત, 6 મે : સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેર-જિલ્લામાં તા.15મી મે સુધીમાં ગંગાસ્વરૂપા સહાય યોજના અને વૃદ્ધ પેન્શન યોજનાથી વંચિત રહેલા લાભાર્થીઓને લાભ આપવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની આ બન્ને યોજનાઓના લાભ આપવા તંત્ર દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપા મહિલાઓને સન્માનજનક જીવન અને આર્થિક આધાર આપવા માટે મહિને રૂા.1250ની સહાય તેમજ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં 60 વર્ષથી વધુના વયના વૃદ્ધ વ્યકિતને અનુક્રમે રૂા.1000 થી લઈને રૂા.1250ની સહાય આપવામાં આવે છે.
વધુ વિગતો આપતા જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, ગંગાસ્વરૂપા સહાય યોજના તથા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાને વધુ વેગવંતી બનાવીને કોઈ પણ લાભાર્થીઓ લાભોથી વંચિત રહી ન જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેથી સુરત શહેર-જિલ્લાના લાભાર્થીઓને વધુમાં વધુ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સૌ નાગરિકોને આસપાસમાં રહેતા ગંગાસ્વરૂપ મહિલાઓ, નિરાધાર વૃધ્ધોને આર્થિક સહાય મળી રહે તે માટે તંત્રની ઝુંબેશમાં સહકાર આપવાની અપીલ કરી હતી.

ગંગાસ્વરૂપા યોજનાનો લાભ 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓને મળી શકે છે, જ્યારે વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓને મળે છે. વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને તા.01/04/2022ની અસરથી 60 થી 79 વર્ષના લાભાર્થીઓને માસિક રૂ.1000 તથા 80કે તેથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂ.1250 સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ બંન્ને યોજનાનો લાભ લેવા માટે સ્થાનિક મામલતદાર કચેરી તથા તલાટીકમ મંત્રીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *