
સુરત, 6 મે : કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે મધુરમિલન વાડી, કૈલાશનગર, ગરબા ચોક ખાતે ‘તંદુરસ્ત બાળ સ્પર્ધા’માં વિજેતા થયેલાં બાળકોના માતાપિતાઓને ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે બાળકને સર્વગુણ સંપન્ન બનાવવા તેને જીવનમાં તંદુરસ્ત સ્પર્ધા કરવાનું દરેક માતાપિતાએ શીખવવું જોઈએ એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આજનો યુગ સ્પર્ધાનો છે. બાળપણથી જ ઘરમાં ભાઈ-બહેન, શાળાના સાથીઓ, મોટા થયા પછી પણ ઓફિસમાં સહકર્મીઓ સાથે ઘણી બાબતોમાં હરિફાઈ થાય છે. આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયેલી સ્પર્ધાને સકારાત્મક સ્વરૂપમાં લેવામાં આવે તો તે આશીર્વાદ સમાન નીવડે છે, અને વ્યક્તિને બહેતર જીવન પ્રદાન કરે છે. જ્યારે સ્પર્ધાને નકારાત્મક સ્વરૂપમાં લેવામાં આવે તો તે તણાવ, દુઃખ અને નકારાત્મકતાનું કારણ બની શકે છે. તેથી જ નાનપણથી જ બાળકોને તંદુરસ્ત સ્પર્ધા અને સંસ્કારમય માહોલમાં ઉછેરવા માતાપિતાએ જાગૃત્ત બનવું જરૂરી છે.

વધુમાં મંત્રીએ કહ્યુ હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્ત્રી ગર્ભવતી હોય ત્યારથી લઈને બાળકના જન્મ અને જીવનના મહત્તમ તબક્કાઓ સુધી તેની વિવિધ યોજનાઓનો લાભ આપીને કાળજે લે છે. આંગણવાડીની બહેનો ડોર ટુ ડોર જઈને મહિલાઓને કુપોષણ નિવારણ અને પોષક આહારની અનિવાર્યતા અંગે માર્ગદર્શન આપે છે. સરકારે લોકડાઉન સમયે બાળકોનું વજન અને લંબાઈ પણ માપવા સાથે કુપોષિત બાળકોના પોષણ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. કુપોષણને નાથવા પોષક ખોરાક બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મેયર હેમાલી બોઘાવાલા, કોપોરેટર દિપેન દેસાઈ, ભારતી વાઘેલા, ઉષા પટેલ તથા ડો.પ્રતિભાબેન, ડો.અપૂર્વભાઈ તેમજ અગણીઓ, સ્પર્ધામાં ભાગ લેનાર માતા-પિતા અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત