સુરતના 10 વર્ષીય તત્વમ ગાંધીએ કેન્સરના દર્દીઓ માટે પોતાના વાળ ડોનેટ કર્યા

સ્થાનિક
Spread the love

સુરત,8 મે : સુરતના 10 વર્ષીય તત્વમ ગાંધીએ 8 મે- વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે કેન્સરના દર્દીઓ માટે પોતાના વાળ ડોનેટ કર્યા હતા. કેન્સરપીડિતોને માનસિક રીતે હિંમત આપવા માટે તત્વમે નાની ઉંમરમાં અન્યોને માટે પ્રેરણાદાયી કામ કર્યું છે. તત્વમ કેન્દ્રીય વિદ્યાલય કૃભકોમાં ધો.5 માં અભ્યાસ કરે છે, તે સુરતનો અંડર 10 નો બેસ્ટ ફૂટબોલ ગોલકીપર પણ છે. ફૂટબોલ પ્લેયર હોવાથી સ્ટાઈલ માટે તે છેલ્લા 6 મહિનાથી વાળ વધારતો હતો, જ્યારે તેના પિતાએ તેને કેન્સરના દર્દીઓની તકલીફો વિષે વાત કરી તો તત્વમ તરત જ પોતાના ફેવરિટ વાળ ડોનેટ કરવા તૈયાર થઈ ગયો.
કેન્સરની સારવાર ખૂબ જ લાંબી, ખર્ચાળ અને અસહ્ય હોય છે. કેન્સરની સારવાર દરમમિયાન દવાઓના હેવી ડોઝને કારણે શરીર પર તેની આડ અસર જોવા મળે છે. જેમાં સૌથી વધુ અસર વાળ પર થાય છે. આડ અસરના કારણે કેન્સરના મહત્તમ દર્દીઓમાં વાળ ખરી જાય છે, ત્યારે કેન્સરના આવા દર્દીઓને સહાયરૂપ થવા તત્વમે પોતાના લાંબા હેર ડોનેટ કર્યા છે. આ વાળ એકમે હેર એન્ડ બ્યુટી સલૂનના પ્રફુલ લિમ્બાચીયાના સહયોગથી શીતકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના શીતલ શાહ અને કલ્પેશ શાહને ડોનેટ કરવામાં આવ્યા હતા.
તત્વમના પિતા હરેન ગાંધી નિવૃત્ત એરફોર્સ વેટરન છે. હરેન ગાંધી જણાવે છે કે, બજારમાં આર્ટિફિશિઅલ હેર મળતા હોય છે, પણ તે ખૂબ જ ખર્ચાળ હોય છે, આવા સમયે કેન્સરના દર્દીઓને હેર ડોનેશનથી મદદ મળે તો તેઓને માનસિક રીતે ઘણી રાહત થાય છે. તત્વમે વર્ષ 2019 માં પણ કેન્સરપીડિતો માટે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા મુંબઈ કેન્સર પેશન્ટ એઇડ સોસાયટી માટે હાઈએસ્ટ ફાળો એકત્ર કરવા માટે મેડલ અને ટ્રોફી મેળવ્યા હતા. તત્વમનું સપનુ પોતાના પિતાની માફક આર્મી ઓફિસર બનીને ભારત દેશની સેવા કરવાનું છે.તત્વમને પોતાના વાળ બહુ જ ગમતા હતા, પણ કેન્સર પીડિતોની વાળની સમસ્યામાં મદદરૂપ થવા સ્ટાઈલના સ્થાને કેન્સરના દર્દીઓના ચહેરા પર સ્માઈલ આવે તેવુ તે ઈચ્છે છે, એટલે તેના આ નિર્ણયને આવકારીને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું છે, આટલી નાની ઉંમરે બીજાના દુઃખદર્દની અનુભૂતિ થવી એ મોટી વાત છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *