
સુરત, 9 મે : રાજ્ય સરકારે મહિલાઓના વિકાસ અને સહાય માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગાસ્વરૂપ મહિલાઓ સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે તે હેતુથી ‘ગંગાસ્વરૂપા સહાય યોજના’ અમલી બનાવી છે પતિના મૃત્યુ પછી સ્વમાનભેર જીવન જીવવા માટે મહિલાને આર્થિક ટેકાની જરૂર હોય છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર આવી ગંગાસ્વરૂપા બહેનોને પીઠબળ પૂરૂ પાડ્યું છે. સુરત શહેર-જિલ્લાની 69,503 ગંગા સ્વરૂપા મહિલાઓને ગંગાસ્વરૂપા સહાય યોજના હેઠળ મહિને રૂા.1250 મળી રહ્યાં છે. જેમાં ઓલપાડ તાલુકામાં સૌથી વધુ 8769 મહિલાઓ અને સુરત સિટી તાલુકામાં સૌથી ઓછી 130 મહિલાઓ માસિક પેન્શન મેળવી રહી છે. આ રકમ તેમના જીવનનિર્વાહ માટે આધારસ્થંભ બની છે. આ યોજનાનો લાભ 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર ગંગાસ્વરૂપ(વિધવા) મહિલાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
વધુ વિગતો આપતા સુરત જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્વેતા દેસાઈ જણાવે છે કે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય (વિધવા સહાય) મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1.20 લાખ તથા શહેરી વિસ્તાર માટે 1.50 લાખ હોવી જોઈએ. સહાય સીધી લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જો લાભાર્થી મહિલાનું અકસ્માતે મૃત્યુ થાય તો ગુજરાત સામૂહિક જુથ સહાય-જનતા અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂ.1 લાખ મળવાપાત્ર છે.આ યોજનાનો લાભ મેળવવા માટે પતિના મરણનો દાખલો, ગંગાસ્વરૂપા હોવા અંગેનો દાખલો, આધાર કાર્ડ, આવક અંગેનો દાખલો, બે પાસપોર્ટ સાઈઝ ફોટા, પુન:લગ્ન કરેલ ન હોય તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર, ઉંમર અંગેના પુરાવો, રેશનકાર્ડની નકલ, બેંક પાસબુક વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે. ગ્રામ્યકક્ષાએ VCE અથવા મામલતદાર કચેરીએ અરજી કરવી. શહેરી વિસ્તાર માટે મામલતદાર કચેરીમાં અરજી કરવી. યોજનાનું અરજીફોર્મ https://wcd.gujarat.gov.in/uploads/pdf/GrsnaNtsLmEb3P9bImionjhz3g3ilaEL21M.pdf પર મેળવી શકાશે.સુરત શહેર-જિલ્લાની એકપણ ગંગાસ્વરૂપા બહેન આ યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ માટે તા.15મી મે સુધી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાભાર્થીઓ બહેનોને યોજનાકીય લાભો મળે, પેન્શન પ્રાપ્ત કરીને સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે એ પણ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું શ્વેતા દેસાઈએ જણાવ્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત