
સુરત, 9 મે : યુવાનોને તેમના કૌશલ્ય મુજબ ખાનગી ક્ષેત્રે નોકરી મેળવી આપવાના હેતુસર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, સુરત/ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરતના સયુંકત ઉપક્રમે 9 થી 11 મે સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરી બિલ્ડીંગ ખાતે યોજાનાર ‘ભરતી મેળો- 2022’ ના પ્રથમ દિવસની રોજગારવાંચ્છુંઓના ભારે ઉત્સાહ સાથે શરૂઆત થઇ હતી.

આજરોજ ભરતીમેળાના પ્રથમ દિવસે હાજર આઈ.ટી/ કોમ્પ્યુટર ક્ષેત્રની કુલ 7 કંપનીઓમાંથી કુલ 179 ખાલી જગ્યાઓ સામે કુલ 382 રોજગારવાંચ્છુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી કુલ 104 ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી.

આગામી બે દિવસમાં યુવાનોને તેમના કૌશલ્ય મુજબ મનપસંદ રોજગારી પ્રાપ્ત થાય અને ઔદ્યોગિક એકમોને સરળતાથી પસંદગી મુજબનું માનવબળ મળી રહે તે માટે 10,11 મેના રોજ સ્નાતક ક્ક્ષાના ઉમેદવારો માટે ઇન્ટરવ્યુની વ્યવસ્થા રાખવામા આવેલી છે. ઉમેદવારો સ્થળ પર વિના મૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી ભરતી મેળામાં ભાગ લઈ રોજગારી મેળવી શકે છે.

આ પ્રસંગે VNSGU ના વાઈસ ચાન્સેલર કે.એન.ચાવડા, પ્લેસમેન્ટ ઓફિસર દર્શન પુરોહિત, રોજગાર અધિકારી પારુલ પટેલ, કંપનીના પ્રતિનિધિઓ અને રોજગાર ઈચ્છુક યુવા ઉમેદવારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત