સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે 1000 એકરના 3 પીએમ મિત્રા પાર્ક પણ ઓછા પડશે : ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો

સ્થાનિક
Spread the love

સુરત, 10 મે : જીઆઇડીસીએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સાથે રાખીને કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રાલયની નિરીક્ષણ ટીમ સાથે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની પીએમ મિત્રા પાર્ક યોજના હેઠળ જે અરજી કરવામાં આવેલી છે તેની યોગ્યતા તપાસવા માટે મંગળવાર, તા. 10 મે, 2022 ના રોજ સવારે 10 :30 કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટીંગમાં ભારત સરકાર ટેક્ષ્ટાઇલ મંત્રાલયમાંથી જોઇન્ટ સેક્રેટરી પ્રાજકતા વર્મા (આઇ.એ.એસ.), ડેપ્યુટી સેક્રેટરી રવિ શંકર શુકલ, ડિરેકટર સૌરભ કુલકર્ણી, જીઆઇડીસીના જોઇન્ટ એમ.ડી. બી. જી. પ્રજાપતિ તથા ચીફ એન્જીનિયર બી.સી. વારલી, જીઆઇડીસીના અધિકારીઓ, જીપીસીબીના અધિકારીઓ, નવસારીના કલેકટર અમિત પ્રકાશ યાદવ તથા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સાથે ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી, પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયા અને માનદ્ મંત્રી દીપક કુમાર શેઠવાલા પણ ઉપસ્થિત રહયા હતા.
ઉપરોકત મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ હાજર તમામ અધિકારીઓને દક્ષિણ ગુજરાતમાં પીએમ મિત્રા પાર્ક સ્થાપવાની યોગ્યતા વિશે પ્રેઝન્ટેશન કરી સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઝડપી રોકાણ માટે કેન્દ્ર સરકારની ટીટીડીએસ સ્કીમની મંજૂરી મળવી જોઇએ તથા ટેક્ષ્ટાઇલ ક્ષેત્ર માટે રિન્યુએબલ એનર્જીની ખાસ પોલિસી તાત્કાલિક ધોરણે આપવી જોઇએ. જીઆઇડીસીના જોઇન્ટ એમ.ડી. તથા તેમના ચીફ એન્જીનિયર દ્વારા પણ વિવિધ આંકડાકીય માહિતી કેન્દ્રની નિરીક્ષણ ટીમને આપી હતી. સાથે જ નવસારીમાં આવેલ વાંસી–બોરસી ખાતે જો પીએમ મિત્રા પાર્ક સ્થાપવામાં આવે તો તેની યોગ્યતા વિશે સમગ્ર ટીમને માહિતગાર કર્યા હતા.

આ મિટીંગમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના દરેક સેકટરના આગેવાનો, ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધીઓ હાજર રહયા હતા. તમામે એક સૂરમાં જણાવ્યું હતું કે, સુરતમાં જમીન મોંઘી થઇ ગઇ હોવાથી તમામ ઉદ્યોગકારો એક આવા ઇન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઇલ પાર્કની રાહ જોઇ રહયા હતા. ઉદ્યોગકારોએ જોઇન્ટ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી પ્રાજકતા વર્માને જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોને જમીન સસ્તી મળે એ જરૂરી છે. કારણ કે એનાથી જ ઉત્પાદન ખર્ચ નીચે લાવી શકાશે. તથા વધુમાં વધુ લોકો આ ઉદ્યોગમાં ઝંપલાવી શકશે. સુરતમાં નવા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગો સ્થાપવા માટે તથા એકસપાન્શન કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ડિમાન્ડ છે. આથી જો સુરતને બીજા વધારાના બે પીએમ મિત્રા પાર્ક આપવામાં આવશે તો પણ એ સંપૂર્ણપણે ખૂબ જ ટુંકા સમયમાં ભરાઇ જશે.
ઉદ્યોગકારો પોતાના માટે કોમન કેપ્ટીવ પાવર પ્લાન્ટ નાંખી શકે તથા કોમન બોઇલર સાથે સીઇટીપી, એસટીપી અને કામદારો માટે રહેવાની સગવડ એક જ જગ્યા ઉપર મળે તો જે પીએમ મિત્રા પાર્કની ખાસિયત છે. આથી પીએમ મિત્રા પાર્ક જો નવસારીના વાંસી–બોરસી ખાતે આપવામાં આવશે તો બેથી ત્રણ વર્ષમાં આખો પાર્ક સંપૂર્ણપણે ભરાઇ જશે. સાથે જ આસપાસની ખારપાટ જમીનનો ઉપયોગ વીન્ડ અને સોલાર એનર્જી માટે થઇ શકે છે. આથી વાંસી–બોરસીમાં જીઆઇડીસી દ્વારા અરજી કરેલ પીએમ મિત્રા પાર્કને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી એક જ વર્ષમાં કન્સ્ટ્રકશન વર્ક પણ પૂર્ણ કરવા માટે અધિકારીઓને વિનંતી કરી હતી.

આ મિટીંગમાં ચેમ્બરની પીએમ મિત્રા પાર્ક કમિટીના ચેરમેન બી.એસ. અગ્રવાલ, ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી, એસઆરટીઇપીસીના ચેરમેન ધીરુ શાહ, ફોગવાના ચેરમેન અશોક જીરાવાલા, ફોસ્ટાના ચેરમેન મનોજ અગ્રવાલ, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના દીપક શેટા, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશનના પ્રતિનિધીઓ, સુરત ટેકસમેકના પ્રમુખ મહેન્દ્ર કુકડીયા અને અશોક અડવાણી, સાઉથ ગુજરાત ટેકચ્યુરાઇઝર્સ એસોસીએશનના સેક્રેટરી સુરેશ પટેલ, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના પ્રતિનિધી, લક્ષ્મીપતિ ગૃપના સંજય સરાવગી, મધુસુદન ગૃપના દીપક મુંદડા, ડેનીમ કાપડના ઉત્પાદકો, લુથરા ગૃપના ડિરેકટર, રંગનાથ શારદા, મેહુલ વિટ્ટલાણી, પ્રોસેસિંગ સેકટરના રવિન્દ્ર આર્યા, કોમન બોઇલરના પ્રોજેકટના પ્રતિનિધી વિશાલ બુધિયા અને એન્વાયરમેન્ટ એક્ષ્પર્ટ કુન્હાલ શાહ સહિત ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિધ સેકટરના તમામ આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
આ મિટીંગનું સમગ્ર સંચાલન ચેમ્બરના માનદ્ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ કર્યું હતું. અંતે ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.મિટીંગ બાદ કેન્દ્રની નિરીક્ષણ ટીમ જીઆઇડીસીના અધિકારીઓ સાથે નવસારીના વાંસી–બોરસી ખાતે સ્થળ તપાસ માટે ગઇ હતી. જ્યાં ટીમે સ્થળની મુલાકાત લઇ તપાસ કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *