સુરત : શહેર-જિલ્લાના 20,409 નિરાધાર વૃદ્ધોને રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન(વયવંદના) હેઠળ મળે છે આર્થિક સહાય

સ્થાનિક
Spread the love

સુરત, 10 મે : સરકારે નિરાધાર વૃધ્ધો સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે તેવા હેતુથી ‘ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન(વયવંદના) અને નિરાધાર વૃધ્ધ સહાય યોજના’ અમલી બનાવી છે. ‘ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન(વયવંદના) અંતર્ગત 60 થી 79 વર્ષ સુધી રૂા.1000 તથા 80 વર્ષથી ઉપરના વૃધ્ધોને રૂા.1250ની સહાય મળે છે. જયારે નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ રૂા.1250ની સહાય મળે છે. વૃદ્ધ વ્યકિત પોતાનું જીવન સરળતાથી જીવી શકે તથા વૃદ્ધ લોકોએ પૈસા માટે કોઈ બીજા પાસે પોતાના હાથ ફેલાવવાની જરૂર નથી.
સુરત જિલ્લા વહીવટીતંત્રએ આવા નિરાધાર વૃધ્ધોને પીઠબળ પૂરૂ પાડવા માટે તા.15મી મે સુધી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તમારી આસપાસ રહેતા કોઈ પણ વૃધ્ધોને યોજનાની જરૂરીયાત હોય તો તત્કાલ મામલતદાર કચેરીનો સંપર્ક કરીને માનવીય કાર્યમાં જોડાઈ શકો છો. ‘ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન(વયવંદના) યોજનાનો લાભ મેળવવા માટે 60 વર્ષ કે તેથી વધુ વયની અને અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. લાભાર્થીનો જો પુત્ર 21 વર્ષ (પુખ્તવય) નો હોય પણ માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.સુરત શહેર-જિલ્લામાં ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન(વયવંદના) હેઠળ 20,409 જેટલા લાભાર્થીઓને સહાય મળી રહી છે. જયારે નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના હેઠળ 8,429 જેટલા વૃધ્ધ લાભાર્થીઓને 1250 /- મળી રહ્યા છે.
આ બન્ને યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1.20 લાખ તથા શહેરી વિસ્તાર માટે 1.50 લાખ હોવી જોઈએ. સહાય સીધી લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-LC, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક), આવક અંગેનું પ્રમાણપત્ર, ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/વીજળી બિલ/આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક), આધારકાર્ડ, લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સિવિલ સર્જનનું સર્ટિફિકેટ), ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિત વિષયક નિષ્ણાંત તબીબનું/TB કેન્સદરથી પીડાતા હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવું, 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે.
ગ્રામ્યકક્ષાએ VCE અથવા મામલતદાર કચેરીએ અરજી કરવી તથા શહેરી વિસ્તાર માટે મામલતદાર કચેરીમાં અરજી કરવી રહશે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વયવંદના) અંતર્ગત રાષ્ટ્રીય વૃદ્ધ સહાય મેળવવા માટેનું અરજી ફોર્મ https://sje.gujarat.gov.in/dsd/downloads/indira-gandhi-pension-02012020.pdf ઉપલબ્ધ છે. નિરાધારી વૃધ્ધોને અને નિરાધાર અપંગોને સહાયની યોજનાનું અરજી ફોર્મ https://sje.gujarat.gov.in/dsd/downloads/nirathar-apang-yojana_02012020.pdf પર મેળવી શકાશે.સુરત શહેર-જિલ્લામાં એકપણ નિરાધાર વૃધ્ધ આ યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ માટે તા.15મી મે સુધીમાં ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. કોઈ પણ જરૂરીયાતમંદ લાભાર્થીઓએ વધુમાં વધુ યોજનાનો લાભ લેવા મામલતદાર કચેરી અથવા તલાટીનો સંપર્ક સાધવા માટે નાયબ મામલતદાર એસ.એમ.મનસુરીએ જણાવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *