
સુરત, 10 મે : મહિલા અને બાળવિકાસ વિભાગ અંતર્ગત ચાલતી ‘ગંગા સ્વરૂપા આર્થિક યોજના’ હેઠળ જિલ્લાની હજારો મહિલાઓને પેન્શનરૂપી આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી છે. સુરત શહેરમાં રહેતા 40 વર્ષીય અનિતાબેનને પણ રાજ્ય સરકારની આ યોજના અંતર્ગત દર મહિને બેંક ખાતામાં રૂ.1250 ની સીધી નાણાકીય સહાય મળી રહી છે.

મૂળ મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લા અને હાલ સુરતના વેડરોડ વિસ્તારના ત્રિલોક સોસાયટીમાં રહેતા 40 વર્ષીય લાભાર્થી અનિતાબેન સુનીલભાઈ શેલકે જણાવે છે કે, 6 વર્ષ પહેલા ગંભીર બીમારીના કારણે મારા પતિ સુનિલભાઈનું મૃત્યુ થયું. જેથી મારા ઉપર ત્રણેય સંતાનોના ઉછેર તથા પરિવારના જીવન નિર્વાહ માટેની જવાબદારી આવી પડી. જેથી મારા ત્રણેય સંતાનો સાથે રોજગારી અર્થે 2016માં સુરત આવી. સુરત જેવા મોટા અને ખર્ચાળ શહેરમાં શરૂઆતના દિવસો મારા માટે ખુબ જ સધર્ષભર્યા રહ્યા હતા. અન્ય લોકોના ઘરે ઘરકામ કરીને મારા પરિવારનું ભરણપોષણ કરી રહી છું. એક સમયે પડોશીએ વાત કરી કે, ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને પેન્શન મળે છે. જેથી મે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’નું ફોર્મ ભરતા મને સહાય મળતી થઈ છે.

અનિતાબેન વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની આ યોજના દ્વારા મળતી સહાયથી ઘરના શાકભાજી, દુધ જેવા ખર્ચાઓની ચુકવણી કરૂ છું. ઘરના ખર્ચાઓ માટે આ સહાય મને ટેકા સ્વરૂપ સાબિત થઈ છે. આ સિવાય તેઓ ઘરકામ કરીને ત્રણેય સંતાનોના શિક્ષણ તથા નિર્વાહ માટે આકરી મહેનત કરી રહ્યા છે. તેમણે પોતાના સંઘર્ષપૂર્ણ જીવનને કેટલીક હદે નિરાડંબર કરતી ગંગા સ્વરૂપા આર્થિક યોજના માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. અહી નોંધનીય છે કે, મહિલા અને બાળવિકાસ વિભાગની ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત સુરત શહેર-જિલ્લાની 69,503 ગંગા સ્વરૂપા મહિલાઓને મહિને રૂા.1250 મળી રહ્યા છે. સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 15મી મે સુધી કોઈ વિધવા મહિલા આ યોજનાથી વંચિત રહી ન જાય તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.આવી મહિલાઓએ લાભ મેળવવા મામલતદાર કચેરી અથવા તલાટીનો સંપર્ક સાધીને લાભ મેળવી શકે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત