
સુરત : રાજ્યની આર્થિક રાજધાની મનાતા સુરત શહેરમાં ક્રાઇમને અંકુશમાં લેવા માટે પોલીસ દ્વારા ગુજસીટોકનું અસરકારક હથિયાર ઉગામવામાં આવ્યું છે અને તે અંતર્ગત મોટા માથાઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.સુરતમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ કાયદા અંતર્ગત અત્યાર સુધીમાં આ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ ગેંગનો જ એક આરોપી આઝાદ પઠાણ છેલ્લા એક વર્ષથી ફરાર હતો.આ ફરાર આરોપીને સુરત શહેરના બસ સ્ટેન્ડ ગરનાળા પાસેથી પોલીસે આખરે દબોચી લીધો છે. આ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે એક વર્ષથી નાસતો ફરતો હતો.
ઝડપાયેલા આ આઝાદ પઠાણ વિરુદ્ધ હાફ મર્ડર અને હથિયાર સાથે ધાડ સહિતના 3 ગુના નોંધાઈ ચુક્યા છે.છેલ્લા 1 વર્ષથી તેને ઝડપી લેવા માટે પોલીસ મહેનત કરી રહી હતી. બાતમીના આધારે પોલીસે તેને શહેરના બસ સ્ટેન્ડ ગરનાળા પાસેથી દબોચી લેવામાં સફળતા મેળવી હતી.આ ગુનામાં અગાઉ ગેંગના મુખ્ય સૂત્રધાર વિપુલ ગાજીપરા, અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ સત્યનારાયણ પાંડે, કપિલ કુમાર ઉર્ફે પોપીન ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે મામ ચંદ અને મોહમદ ઇલીયાસ મોહમદ બિલાલ કાપડિયા,રમેશચંદ્ર ખત્રી બિલાડાવાળા, અલ્તાફ પટેલ, શશાંકસિહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસિંગ ભારદ્વાજ, ઉજવલદીપ ઉર્ફે યુડી બ્રીજ મોહનસિગ રાજપૂત તેમજ ડેનીશ ઉર્ફે નાનો ડેનીયોને ઝડપી લેવામાં આવ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત