સુરતની નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ બહેનોની અનોખી કહાની

સ્થાનિક
Spread the love

સુરત, 11 મે : દર્દીઓને સ્વસ્થ રાખવામાં નર્સોનું ખુબ મોટું યોગદાન ગણવામાં આવે છે. વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ 12મી મેને આંતરરાષ્ટ્રીય નર્સ ડે તરીકે સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરત ખાતે આવેલ નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ફરજ પરસ્ત એવા હેડ નર્સ રંજના ચૌધરી, મીના પરમાર અને કલ્પના વશીએ હજારો દર્દીઓને સેવા કરીને અનેરી નામના મેળવી છે. આ બહેનોએ મનોવૈજ્ઞાનિક, સામાજિક અને ચિકિત્સકિય રીતે પૂરેપૂરા સમર્પણભાવ સાથે દર્દીનારાયણની સેવા-સાકરી કરી ‘જન સેવા એજ ઈશ્વર સેવા’નો ઉતમ દાખલો બેસાડ્યો છે. પોતે ૧૨ વર્ષથી કેન્સરગ્રસ્ત હોવા છતાં જીવના જોખમે હકારાત્મકતા અને નિડરતાથી દર્દીઓની સેવા હોય કે પછી પોતાના સંતાનોની પરવા કર્યા વિના અનેક કૌટુંબિક દુઃખોને ભૂલી પોતાની ફરજને પ્રાથમિકતા આપનાર નર્સોની કહાની ખરેખર હૃદય સ્પર્શી છે.

મૂળ અમદાવાદ અને છેલ્લા 31 વર્ષથી સુરત સિવિલ હોસ્પિટલમાં કાર્ય કરતા 58 વર્ષીય હેડ નર્સ મીના પરમાર કે તેઓ પોતે છેલ્લા 12 વર્ષથી બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં હોવા છતાં સિવિલના સ્પેશિયલ OPD વોર્ડમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે. મીનાબેન જણાવે છે કે, વર્ષ 1986માં સુરતના સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ હતી. ત્યારે વર્ષ 2008માં સતત બિમાર રહેવાથી અંતે નિદાન કરતા વર્ષ 2010 માં કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. શરૂઆતના દિવસોમાં સિવિલની કામગીરી સાથે સાથે કેન્સરની સારવાર શરૂ કરી હતી. અત્યાર સુધી તેમણે 8 કિમોથેરાપી અને 43 રેડીએશનની પ્રક્રિયા ઉપરાંત એક ઓપરેશન પણ કરાવ્યું છે. પરંતુ આ ગંભીર બિમારીની સારવારના 15 મહિના બાદ તુરંત ફરજ ઉપર પાછા જોડાયા હતા. તેઓ જણાવે છે કે, આ કપરા સમયમાં પોતે એકલી રહેતી હતી ત્યારે સિવિલની સાથી નર્સ બહેનોએ સાથ સહકાર આપ્યો હતો. તેમણે યંગ નર્સ બહેનોને હંમેશા નિડરતા અને ફરજ પ્રત્યે પ્રમાણિક રહેવા તેમજ હકારાત્મક અભિગમથી કાર્ય કરવાનો સંદેશ આપ્યો હતો.

58 વર્ષીય હેડ નર્સ કલ્પના વશી (મૂળ નવસારી) પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે, સુરત સિવિલ હોસ્પિ.માં છેલ્લા 33 વર્ષથી નર્સિંગ ક્ષેત્રે અને હાલમાં ટ્રોમાં સેન્ટરમાં ઇન્ચાર્જ તરીકે કાર્યરત છું. મારા 27 વર્ષીય બાળકને 99% શારીરિક લકવો છે. જેથી મારા જીવનમાં પથારીવશ બાળકની સાર-સંભાળની સાથે દર્દીઓ પ્રત્યે મારી ફરજ પૂર્ણ કરવીએ બન્ને જવાબદારીઓ પડકારજનક રીતે કરી રહી છું. પરંતુ, આ સમયે મારી ફરજ વિના સંકોચે નિભાવી શકું તે માટે મારા પતિએ તેમની મિલની નોકરી છોડીને બાળકને બીજી માતા તરીકે પ્રેમ અને સંભાળ રાખી રહ્યા છે. પતિના સપોર્ટના કારણે હું બાળકની ચિંતા વિના ટ્રોમા સેન્ટર જેવા સંવેદનશીલ વિભાગમાં મારી ફરજ નિભાવી રહી છું. તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન પણ મેં ડબલ શિફ્ટમાં કામ કર્યું પરંતુ મારાથી મારા બાળકને ચેપ ન લાગે તે અંગે ખુબ ચિંતિત હતી અને વાહન વ્યવહાર બંધ હોવાના કારણે ઘણા દિવસો સુધી પોતાના બાળકથી દુર રહેવું પડતું હતું. આમ કલ્પનાબેનએ દર્દીનારાયણની સેવા માટે નિરંતર કાર્ય કરી રહ્યા છે.

છેલ્લા 28 વર્ષથી સિવિલમાં ફરજ બજાવતા બારડોલી નિવાસી 52 વર્ષીય હેડ નર્સ રંજના ચૌધરી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેઓ કહે છે કે, મારી 22 વર્ષીય દિકરીને પેરાલીસીસ છે તેની સાર-સંભાળ અને જીવન નિર્વાહની જવાબદારી સાથે હોસ્પિટલમાં પણ ફરજ બજાવી રહી છું. કોવિડ સમયે મેં ICU વોર્ડમાં બાળ દર્દીઓમાં મને મારી દીકરીના દર્શન થતા હતા. આ મુશ્કેલ સમયમાં મને મારી નહિ પરંતુ મારી દીકરીને કોરોનાનો ચેપ ન લાગે તેની ચિંતા સતત રહેતી હતી પરંતુ મે હમેશા મારી ફરજને પ્રાથમિકતા આપી હતી એવું તેઓ જણાવે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *