
સુરત,12 મે : સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ જે પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સના આજે જાહેર થયેલા પરિણામમાં ચાર વિષયોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ત્રણ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 10,911 છે.જયારે C2માં ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાં છે.જયારે ડાયમંડનગરી સુરત જિલ્લામાં વિદ્યાર્થીઓએ ફરીથી રંગ રાખ્યો છે.સુરત જિલ્લાનું ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું 77.53 ટકા પરિણામ જાહેર થયું છે.સમગ્ર ગુજરાતમાં સુરતના વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતભરમાં સૌથી વધુ સુરતમાં A1માં 42 અને A2માં 636 સ્ટુડન્ટ્સને સફળતા મળી છે.જયારે B1માં પણ 1468 અને B2માં 1930 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે.

ધોરણ 12 સાયન્સના આ પરિણામનું વધુ વિગતવાર આકલન કરીએ સુરત શહેર અને જિલ્લામાંથી કુલ 12000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં સુરત સેન્ટરનું 81.57 ટકા પરિણામ આવ્યું છે બારડોલીનું 65.94, કામરેજનું 77.34, વરાછાનું 87.73, કીમનું 74.78, રાંદેરનું 82.09, નાનપુરાનું 74.65, ઉધનાનું 62.38, માંડવીનું 53.02 અને વાંકલનું 57.50 ટકા પરિણામ આવ્યું છે.જોકે, આ પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને ગુણપત્રક, પ્રમાણપત્ર શાળાઓમાંથી થોડા દિવસ બાદ પ્રાપ્ત થશે.જોકે, કોરોનાકાળ બાદ શૈક્ષણિક કાર્યમાં મન પરોવીને અભ્યાસ કર્યા બાદ હવે પરિણામ સારું આવતા સમગ્ર વિદ્યાર્થી આલમ અને વાલીઓમાં પણ હર્ષની લાગણી છવાઈ ગઈ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત