રાજપીપલા : એકતાનગર ખાતે રૂા.388.63 લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરતાં મંત્રી પૂર્ણેશ મોદી

પ્રાદેશિક
Spread the love

રાજપીપલા, 12 મે : રાજ્યના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, યાત્રાધામ વિકાસના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે તેમજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે એકતાનગર ખાતે રૂા.388.63 લાખના ખર્ચે નવનિર્મિત થયેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનને રિબીન કાપી તક્તીનું અનાવરણ કરી લોકાર્પણ કરાયું હતું.

મંત્રી મોદીએ એકતાનગર ખાતે નવનિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ અનેકવિધ ક્ષેત્રમાં રાજ્ય અને દેશે વિકાસ સાધ્યો છે, ત્યારે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ, લોકોને આજે એસ.ટી.બસની સુલભ સુવિધાઓનો લાભ સરળતાથી મળી રહ્યો છે.રાજ્યમાં અનેક નવાં રસ્તાઓ, નવા એસ. ટી. બસ ડેપોનુ નિર્માણ થતાં લોકો હવે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામોની સાથે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સમયસર અને ઝડપથી પહોંચી શકશે.

દિવાળીના તહેવાર કે ઉનાળાના વેકેશનમાં અલગથી એસ. ટી. બસની ટ્રીપો ગોઠવીને સુલભ સુવિધાઓ પુરી પાડી રહ્યાં હોવાની સાથે રાજ્યમાં દૈનિક સરેરાશ 25 લાખ જેટલા મુસાફરો એસ.ટી દ્વારા મુસાફરી કરી રહ્યાં હોવાનું મંત્રી મોદીએ ઉમેર્યું હતું. રાજ્યના અંતરિયાળ વિસ્તારના બાળકો શાળાએ સરળતાથી પહોંચી શકે તે માટે 295 જેટલાં ટ્રાયબલ વિસ્તારમાં રૂા.500 કરોડના ખર્ચે કોઝવે સ્ટ્રકચરનું નિર્માણ કરાશે તેવી પ્રતિબધ્ધતા મંત્રીએ વ્યક્ત કરી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેના લાભો જિલ્લાના છેવાડાના લોકો સુધી પહોંચ્યાં છે અને પ્રત્યેક લોકોને વિજળી, ગેસ, આવાસ સહિતની સુવિધાઓ આપવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. રાજ્ય સરકારે આગામી સમયમાં લોકો સરળતાથી મુંબઇ અને દિલ્હી જેવા શહેરોમાં ઓછા સમયમાં પહોંચી શકે તે માટે બુલેટ ટ્રેન જેવી અત્યાધુનિક સુવિધાઓ પુરી પડાશે તેવો વિશ્વાસ મંત્રી મોદીએ વ્યક્ત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આ જિલ્લામાં નવી રોજગારીની તકોનું નિર્માણ થતાં નર્મદા જિલ્લાએ વિકાસ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી હોવાનું જણાવ્યું હતું. ઘર આંગણે જ શ્રેષ્ઠતમ અને ગુણવત્તાયુકત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિર્વસિટીની ભેટ આપી હોવાનું જણાવ્યું હતું. કોવિડ મહામારીને લીધે એસ.ટી.બસો કે એર સેવાઓ બંધ કરવામાં આવી છે તેને આગામી તા.1 લી જુલાઇથી પુન : શરૂ કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

ભરૂચના સાંસદ મનસુખવસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ આદિવાસી વિસ્તારો માટે આશિર્વાદરૂપ બની છે. ગુજરાત રાજ્યનો વિકાસ ખૂબ જ ઝડપી થઇ રહ્યો છે, ત્યારે ગુજરાત મોડલ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ બન્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ફોરેસ્ટ વિલેઝ જેવા વિસ્તારોમાં પણ નવા રસ્તાઓનું નિર્માણ કરીને આદિવાસી વિસ્તારોની કાયાપલટ કરી હોવાની સાથે ઇન્ટરીયલ ગામો છે ત્યાં જરૂર હશે ત્યાં નવા રસ્તાઓનું નિર્માણ કરાશે તેમ જણાવ્યું હતું. સરકારશ્રીની જન કલ્યાણલક્ષી યોજનાઓ છેવાડાના લોકો સુધી વધુ પહોંચે તે માટે તમામ લોકોને આગળ આવવાની અપીલ શ્રી વસાવાએ કરી હતી. નર્મદા જિલ્લો આવનારા દિવસોમાં વિકાસક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરશે તેવો દ્રઢ વિશ્વાસ વસાવાએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.
મંત્રી પૂર્ણેશ મોદી, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સહિત અન્ય મહાનુભાવોએ કેવડીયા કોલોની ખાતે નવનિર્મિત બસ સ્ટેશનમાં ઉભી કરાયેલી અલાયદી સુવિધાઓની મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, કેવડીયા કોલોની ખાતે રૂા.388.63 લાખના ખર્ચે સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનમાં પ્લેટફોર્મની સંખ્યા-08 નંગ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ 363.07 ચો.મી, એડમીન રૂમ, કંટ્રોલ રૂમ, કેન્ટીન (કિચન સહિત),વોટર રૂમ (આર.ઓ.સહિત), પાર્સલ રૂમ, સ્ટોક કમ શોપ, ડ્રાઇવર કંડક્ટર રેસ્ટ રૂમ, શૌચાલય, ઇલેક્ટ્રીક રૂમ, સરક્યુલેશન વિસ્તારમાં સી.સી.ટ્રી-મીક્ષ ફ્લોરીંગ, રેસ્ટ રૂમ, ડોરમેટરી સહિતની આનુસંગિક અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. 220 બસોનું આવાગમન સાથે અંદાજીત દૈનિક 11 હજારથી વધુ મુસાફરોને સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનનો લાભ મળી રહેશે.

કાર્યક્રમના પ્રારંભે ભરૂચ એસ. ટી. વિભાગીય નિયામક સી. ડી. મહાજને તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં ભરૂચ નાયબ ઇજનરે અક્ષય મહેતાએ આભારદર્શન કર્યું હતું.ઉક્ત લોકાર્પણ સમારોહમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, ભરૂચ દુધધારા ડેરી અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેનઘનશ્યામ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવા, નિવાસી અધિક કલેકટર એચ. કે. વ્યાસ, જિલ્લા પંચાયતની ન્યાય સમિતિના અધ્યક્ષ દિનેશ તડવી, જિલ્લા પંચાયતની કૃષિ અને પશુપાલન સમિતિના અધ્યક્ષ સંગીતા તડવી, કારોબારી સમિતિના અધ્યક્ષ મમતા તડવી, ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રા ભીલ, જિલ્લા એસ.ટી. વિભાગના મેનેજર પી.પી.ધામા,પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, ગરૂડેશ્વર મામલતદાર મિતેશ પારેખ, જિલ્લાના અગ્રણીઓ, એસ. ટી. વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *