કૃષિ રાજ્યમંત્રીના હસ્તે ઓલપાડ તાલુકાના પાંચ ગામો ખાતે 5 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 15 મે : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ 5 ગામોમાં અંદાજિત રૂા.5 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.આ અવસરે અંભેટા ગામે રૂ.2.24 કરોડ, સોંસક ગામે રૂ. 24.50 લાખ, બલકસ ગામે રૂ. 2.13 કરોડ, તળાદ ગામે રૂ. 24 લાખ, વડોદ ગામે19 લાખ સહિત કુલ રૂા.5 કરોડના ખર્ચે ડામર, આર.સી.સી. રોડ, પેવર બ્લોક, ઓવારા, ગટરલાઈન, તેમજ પંચાયતભવન અને હળપતિ સમાજ ભવન સહિતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશપટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના તમામ નાના મોટા ગામોને હાઈવે સુધી જોડીને પ્રજાજનો માટે રોડ રસ્તાનુ શ્રેષ્ઠ માળખું તૈયાર કરાયું છે. આ ઉપરાંત નવા સબસ્ટેશનનું નિર્માણ થવાથી ખેડુતોને પૂરતા વીજ દબાણથી ગુણવત્તાયુકત અને સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગામના પાદરે આવેલ તળાવોની સમયસર સફાઈ સાથે અને તેની આસપાસ વોકિંગ માટેની સુવિધા વિકસાવામાં આવશે. વધુમાં મંત્રીએ તમામ વિકાસ કામોમાં ગ્રામજનોએ આપેલ સાથ સહકાર બદલ તેમનો આભાર વ્યક્ત કરતા આવનાર સમયમાં બાકી રહેલા ગામોને ગેસ લાઈનથી જોડવાના પ્રયાસ હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે ખેલમહાકુંભમાં ઓપન કેટેગરી અંતર્ગત 800મી. દૌડ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ અંભેટા ગામની ખેલાડી અસ્મિતા પટેલનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, સુરત જિલ્લા સંગઠન મહામંત્રી યોગેશ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી કુલદિપભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *