મહિલાને ફીયરલેસને બદલે પાવરફુલ બનવાની જરૂર છે : પોલીસ કમિશનર તોમર

સ્થાનિક
Spread the love

સુરત,15 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા પિડીયાટ્રિક હોલ, બીજા માળે, સમૃદ્ધિ, એસ.આઇ.ઇ.સી.સી. કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ‘નિડર મહિલા સાહસિકતા, કાર્યસ્થળે સુરક્ષાનું મહત્વ અને મહિલાઓ માટે સાયબર સુરક્ષાનો અભિગમ’ વિષય ઉપર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર (આઇપીએસ) ઉપસ્થિત રહયા હતા અને મહત્વનું સંબોધન કર્યું હતું. નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી (આઇપીએસ)એ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સાયબર સુરક્ષાના પગલાં, કાર્યસ્થળ પર જાતીય સતામણી વિશેનો કાયદો અને તે અંગેની ફરિયાદો દાખલ કરવાની પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. જ્યારે સાયબર ક્રાઇમ સેલના મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ એ. ગોહિલે નાણાંકીય ગુનાઓ અને તે અંગેની મોડસ ઓપરેન્ડી વિશે વિસ્તૃતપણે માહિતી આપી હતી.

પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે કુદરતે વન્ડરફુલ કેપેબિલિટીઝ મહિલાઓમાં આપી છે. મહિલા એ ઘર,પરિવાર, ઓફિસ, સામાજિક કલ્ચર દરેક સ્થળે સૌથી સારી જવાબદારી નિભાવે છે. આજના યુગમાં મહિલાને ભયમુકત થવાની જરૂર નથી. જો તમે પાવરફુલ છો તો એ મેટર નથી કરતું કે તમે મહિલા છો કે પુરુષ છો. આથી મહિલાને ફીયરલેસને બદલે પાવરફુલ બનવાની જરૂર છે. મહિલાઓ દરેક રીતે સક્ષમ છે. તેમને માત્ર મેન્ટલ બેરીયર્સને તોડવાની જરૂર છે અને પોતાની જાતને સાબિત કરવાની જરૂર છે. સુરતમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓ સારો બિઝનેસ પણ કરી રહયાં છે.સુરક્ષાની વાત કરીએ તો ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરત શહેરમાં મહિલાઓને ડરવાની જરૂર જ નથી. મહિલા ગમે ત્યારે સુરક્ષિત અવરજવર કરી શકે છે. પોલીસની શી ટીમે સ્કૂલ–કોલેજોમાં અત્યાર સુધી 1056 જેટલા કેમ્પ કર્યા છે અને 1.60 લાખ યુવતિઓને જાગૃત કરી સ્વરક્ષણની તાલિમ આપવામાં આવી છે. હવે બાળકોને પણ ગુડ ટચ અને બેડ ટચ સમજાવવાની જરૂર છે. તેમણે મહિલાઓને સોશિયલ મિડિયાથી સાવચેત રહેવાની અપીલ કરી હતી.

નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, દસ કરતા વધારે મહિલા કર્મચારીઓ ધરાવતી કોઇપણ કંપની અથવા સંસ્થામાં આંતરિક જાતિય સતામણી સમિતિ હોય છે. જેને કાર્યસ્થળે મહિલાઓની થતી સતામણી અંગે ફરિયાદ લઇને 90 દિવસમાં રિપોર્ટ આપવાનો હોય છે. જો આવી સમિતિ નહીં હોય તો પોલીસ તથા કલેકટર સમક્ષ ફરિયાદ કરી શકાય છે. મહિલાઓ પોલીસ કન્ટ્રોલ રૂમ માટે 100, અભયમ માટે 181 અને મહિલા પાવર લાઇન માટે 1090 નંબર ડાયલ કરીને ફરિયાદ આપી શકે છે.

સાયબર ક્રાઇમ સેલના મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ એ. ગોહિલે પ્રેઝન્ટેશન થકી ઇન્ટરનેટ લોન ફ્રોડ, મેટ્રોમોનિયલ ફ્રોડ, ઇન્સ્યુરન્સ ફ્રોડ, ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ, ઓનલાઇન શોપીંગ ફ્રોડ, લોટરી ફ્રોડ, ફોરેકસ ટ્રેડીંગ, ઓએલએકસ ફ્રોડ, પૈસા ડબલ કરવાની સ્કીમ, કસ્ટમર કેર સંબંધિત ફ્રોડ, સીમ સ્વેપીંગ ફ્રોડ, કેવાયસી અપડેટ ફ્રોડ, ક્રેડીટ કાર્ડ એકટીવેટ સંબંધિત ફ્રોડ, રેન્સમવેર ફ્રોડ વિશે માહિતી આપી તેનાથી બચવા માટેના ઉપાયો પણ જણાવ્યા હતા. તેમણે સાયબર સંજિવની વિશે માહિતી આપી સાયબર ફ્રોડ અંગે 1930 ઉપર ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે તેમ જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ કાર્યક્રમની રૂપરેખા આપી વકતાઓનો પરિચય આપ્યો હતો. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન તેમજ લેડીઝ વીંગના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કરવા હેતુ કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. વિમેન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય સંગિતા ચોકસીએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. આ સેશનમાં લેડીઝ વીંગના ચેરપર્સન રમાબેન નાવડિયા પણ ઉપસ્થિત રહયા હતા. અંતે વિમેન આંત્રપ્રિન્યોર સેલના કો–ચેરપર્સન કૃતિકા શાહે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *