
સુરત, 16 મે : પલસાણા તાલુકાની એક યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરીને જણાવ્યું કે, એક યુવક તેને કેટલાય સમયથી મોબાઈલ ફોન કરીને મળવાની માંગણી કરી રહ્યો છે. જેથી બારડોલી સ્થિત અભયમ રેસ્ક્યું ટીમે યુવતીને મદદ કરીને યુવકની હેરાનગતિમાંથી યુવતીને બચાવી હતી.
વધુ વિગતો જોઈએ તો હિમાનીબેન(નામ બદલ્યું છે)એ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું કે, એક અજાણ્યો યુવક સતત તેના પર્સનલ મોબાઈલ ઉપર કોલ કરીને તેને મળવા બોલાવી હૈરાન કરી રહ્યો છે. જેથી બારડોલીની 181 અભયમ રેસ્ક્યું ટીમે સમગ્ર ઘટનાની હકીકત જાણી હિમાનીને અજાણ્યા યુવકને મળવાની હા પાડી એક સ્થળ પર બોલાવવા કહ્યું હતું. તે સમયે હિમાનીબેન ખુબ ગભરાઈ ગયા હતા. પરંતુ અભયમ ટીમે તેમને સાંત્વના આપી હિંમત વધારી હતી.અંતે 181 ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હિમાનીબેનને મળવા આવેલા અજાણ્યા યુવકને ઝડપીને તેની પુછપરછ કરી હતી. અજાણ્યા યુવકે જણાવ્યું હતું કે, “મને એક ત્રાહિત વ્યક્તિ દ્વારા હિમાનીબેનને ભવિષ્યમાં બ્લેકમેલ કરવા હેતુથી વીડિયો બનાવવા માટે 500 રૂપિયા મળ્યા હતા.” સમગ્ર હકીકત જાણીને અભયમ ટીમે યુવકનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. આ ઉપરાંત હિમાનીબેનને પણ આ બાબતે કાયદાકીય સમજ આપીને પોલીસ સ્ટેશનમાં અરજી આપવાનું સુચન કર્યું હતું, જેના ભાગરૂપે હિમાનીબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત