એક સમયનું ભાવનગરનું વૈભવશાળી જુનું બંદર દ્રઢ રાજકીય ઇચ્છશક્તિના અભાવે આજે નષ્ટ થવાના આરે ઉભું છે

સ્થાનિક
Spread the love

ભાવનગર,14 મે : આઝાદી બાદ રાષ્ટ્રના ચરણે પ્રથમ રાજ્ય અર્પણ કરનારા નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા અનેકવિધ વિશેષતાઓ ધરાવે છે.એક સમયે અહીંનું જૂનું બંદર વૈભવશાળી બંદર હતું. કાળક્રમે દ્રઢ રાજકીય ઇચ્છશક્તિના અભાવે આ બંદર નામશેષ થતું ગયું અને આજે હવે તે નષ્ટ થવાના આરે ઉભું છું.સોશિયલ મીડિયાના માધ્યમથી આ બંદરની જાહોજલાલી વિષે જાણવા મળ્યું ત્યારે, ભાવિ પેઢી આ ભાવેણાની ભવ્યતા વિષે કમ સે કમ જાણે તે એક માત્ર આશય સાથે તેને સમાચારના પોર્ટલ પર લઇ રહ્યો છું. જુના બંદરની તે સમયની જાહોજલાલી અને ભાવનગર વિષે આ કોને લખ્યું છે તે હું જાણતો નથી..પરંતુ, જેણે લખ્યું છે તેણે સત્યતાથી ભરેલી હકીકત લખી છે.આ હકીકત લખનારા અજ્ઞાત લેખકના આભાર સાથે તેને ” અટલ રાષ્ટ્ર ન્યુઝ ” માં મૂકી રહ્યો છું ..આશા છે કે ભાવેણાનો આ ભવ્ય ઇતિહાસ જાણીને આનંદની સાથે દુઃખ પણ થશે…!! આશ્ચર્ય થાય તે સ્વાભવિક છે…પરંતુ ભાંગતું ભાવેણા સૌ કોઈને પીડા આપે તે પણ તો સ્વભાવિક છે.

બ્રિટનનું લંડન શહેર સદીઓથી વિશ્વભરના દરિયાઈ વ્યાપાર સાથે સંકળાયેલું છે. અને જે નગરને દરિયો મળતો હોય તે વેપારનું મથક પણ બનતું હોય છે.લંડન મ્યુઝિયમ નામની એક પેટા વેબસાઈટ અચાનક જોવા મળી. તેમાં ઑલ્ડ પોર્ટ ઑવ ભાઉનગર (Bhownagar) એંડ ગલ્ફ ઑવ કેમ્બે (ભાવનગરનું જુનું બંદર અને ખંભાતનો અખાત) એવા શબ્દો વંચાતા કુતુહલતા જાગૃત થઈ અને પછી તે સાઈટ ઉપરની એક પછી એક બારીઓ ખુલતી ગઈ. નજર સમક્ષ ભાવનગરનું જુનું બંદર અને પછી ખંભાતથી લઈ ગોપનાથ, જાફરાબાદ, ભરુચ, સુરત, વલસાડ, સુધીનો દરિયો મનમાં છલકાવા લાગ્યો. આ બધા સ્થળો તો જોયેલા છે પણ તેના ઇતિહાસ અને વર્તમાનમાં અંતર વધી ગયું છે તેથી વિશેષ રસ પડ્યો.આ બારીઓને ખોલતા બ્રિટીશ ઈતિહાસકાર હુયુજ સિસ્મોરનો એક લેખ નજરે પડ્યો જેમાં ભાવનગરના જુના બંદરનો ઉલ્લેખ હતો.
ભાવનગરનું જુનું બંદર આમ તો શહેરથી ફક્ત બે કિલોમીટર જ દૂર હતું અને એક જમાનામાં જુના બંદરની ખાડીમાં છેક ધક્કા સુધી વહાણો આવતા. ઈમારતી લાકડું, વિલાયતી નળીયા, નાળિયેર ઈંડોનેશિયા,શ્રી લંકા, મલેશિયા, કેરળ અને કર્ણાટકના બંદરોથી આ બંદર ઉપર આવતા. જુના બંદરની આસપાસ લાતી બજાર, દાણા પીઠ જેવી બજારો અસ્તિત્વમાં આવેલી.આ સિવાય પણ ઘણી જીવન ઉપયોગી ચીજો જુના બંદર ઉપર આવતી જે કાઠિયાવાડના વિવિધ ભાગોમાં જતી.આ જુના બંદરેથી મીઠું, વનસ્પતિ ઘી, વગેરેની નિકાસ થતી. ભાવનગર રાજ્યના સમયમાં આ જુનું બંદરનો એક વૈભવ હતો અને તેની વાર્ષિક આવક રૂ. 40 લાખની આસપાસ હતી જે સમસ્ત ગુજરાતમાં સૌથી અધિક હતી. આ બંદર ઉપર ખંભાતના અખાતમાંથી પ્રવેશી શકાતું અને એક ધીકતું બંદર હતું. સમય જતા અખાતમાં મળતી અનેક નદીઓના કાંપ, માટી અને કચરાના કારણે જુનું બંદર ઘસાતું ગયું, માટીનું પૂરાણ કાઢવાની કામગીરી મંદ થઈ ગઈ અને સમય જતા જુનું બંદર પુરાઈ ગયું. નવું પાણી આવી શકતું ન હતું અને કિનારો છીછરો થતો હોવાના કારણે શહેરની શોભારુપ અને આવકના સ્ત્રોતને નાબુદ કરત્તો ગયો. જ્યાં એક સમયે બારેમાસ પાણી ભરાયેલું રહેતુંતેવી ભાવનગરની દરિયાઈ ખાડી સુકો ખાડો બની ગઈ.
જુના બંદરની જાહોજલાલી સમયે 3 તો દીવાદાંડી હતી. મુખ્ય દીવાદાંડી વર્ષ 1860 માં નિર્માણ કરવામાં આવી હતી અને વર્ષો સુધી તે કામ આપતી રહી. આ દીવાદાંડી ઉપર 12 મીટર એટલે કે 39 કે 40 ફૂટનો મિનારો હતો. મરામત અને સારસંભાળના અભાવે આ દીવાદાંડીનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો. જુનું બંદર મૃતપાય બની જતા તેની આયાત નિકાસની કામગીરી નવા બંદર ઉપર થઈ અને હવે નવા બંદરની પણ પડતી થતાં પીપાવાવ બંદર પ્રકાશમાં આવી ગયું.
ખંભાતના અખાતમાં દરિયાઈ કરંટ ખુબ રહેતો હોવાથી અને મોટી સ્ટીમરોનું આવાગમન થતું હોવાથી વર્ષ 1936માં ખાડીના પ્રવેશ દ્વાર પાસે 40 ફૂટ ઉંચી એક બીજી દીવાદાંડી ઉભી કરવામાં આવી હતી જે કોંક્રીટની બનેલી હતી અને દૂરથી પણ કિનારો દેખાય તે માટે સફેદ કલર કરવામાં આવ્યો હતો. બ્રિટીશ ઈજનેર ચાર્લ્સ જહોનસને બનાવી હતી તેથી તેને જહોનસન પોઈંટ એવું નામ આપવામાં આવ્યું હતું. રુવાપરી દરવાજા પાસે ખાડીનો પટ મોટો થતો હોવાથી તેને ખાર નામ આપવામાં આવ્યું હતું. ભાવનગરના જુના બંદર ઉપર આવતા વહાણો રુવાપરી દરવાજા પાસેના દરિયાઈ પટમાંથી આવતા હોવાથી ત્યાં એક દીવાદાંડીની જરુરિયાત જણાતા વર્ષ 1922માં લાકડાના પાયાઓ ઉપર ચોરસ આકારની દીવાદાંડી ઉભી કરવામાં આવી. ભાવનગર શહેરથી 13 કે 15 કિલોમીટર દૂર ઉજ્જડ અને કાદવકિચડવાળી જગ્યામાં આ હટ લાઈટહાઉસ (ઝુંપડી આકારની દીવાદાડી) હતી જે આજે બિસ્માર બનીને ભુતકાળ વાગોળે છે.
ભાવનગરની ખાડીમાં ત્રણ દીવાદાંડી કાર્યરત હતી તે પરથી ખ્યાલ આવશે કે જુના બંદરનો કેવો જમાનો હતો ! નાળીયેરી પુનમના દિવસે આખું ભાવનગર દરિયાદેવની પૂજા કરવા જુના બંદરે ભેગું થતું. લાતી બજારના લાકડાના પટેલ વ્યાપારીઓ સહકુટુમ્બ કણબીવાડમાંથી જુના બંદરે આવતા અને પોતાની લાતી ઉપર કુટુમ્બના મહીલા વર્ગ અને બાળકોને ખારગેટ પાસેની સેંટ્રલ આઈસક્રીમમાંથી આઈસક્રીમ મંગાવી ટેસ્ટ કરાવતા, સિંધી લોકો દરિયાદેવ એટલે ઝૂલેલાલની શ્રીફળ વધેરી પૂજા કરતા. ખારગેટથી લઈ જુના બંદરના વહાણના ધક્કા સુધી માનવ મેદની જોવા મળતી. પુનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવતી હોવાથી ધક્કા સુધી પાણી છલોછલ દેખાતું. નારિયેળી એટલે કે શ્રાવણી પૂર્ણિમાના દિવસે સમુદ્ર-કિનારે રહેનારા લોકો વરુણદેવતા માટે સમુદ્રની પૂજા કરીને નારિયેળ અર્પણ કરે છે. આ દિવસે અર્પણ કરેલું નારિયેળનું ફળ શુભસૂચક હોય છે અને સૃજનશક્તિનું પણ પ્રતીક માનવામાં આવે છે. નદી કરતાં સંગમ અને સંગમ કરતાં સાગર અધિક પવિત્ર છે. ‘सागर सर्व तीर्थानि’ એવી કહેવત છે, અર્થાત્ સાગરમાં સર્વ તીર્થ છે. સાગરની પૂજા અર્થાત્ વરુણદેવની પૂજા છે.
ભાવનગરના જુના બંદરે આ પુનમની પુજા જોવાનો એક ખાસ અવસર રહેતો. કરચલિયા પરામાં રહેતા ખારવાઓ રંગબેરંગી વસ્ત્રો પહેરી આ પુજામાં આવતા. ખારવણો પણ સોનાના દાગીના પહેરી આવતી. ખારવાઓ વહાણ લઈ પરદેશની ખેપ કરી પરત આવતા ત્યારે ખાર દરવાજા અને ઘોઘા દરવાજા પાસે આવેલ ફોટો સ્ટુડિયોમાં ઉમળકાથી ફોટો પડાવવા જતા. જે વતન કે ગામમાં આવ્યાની નિશાની બની જતી. વિંસ્ટન, કેમલ અને માર્લબોરો જેવી સિગરેટ પણ સ્નેહી કે મિત્રો માટે લાવતા. દરિયાકાંઠો હંમેશા સોહામણો લાગે છે અને દેશની આઝાદી પછી પણ જુના બંદરની આસપાસની ખાડીને વિકસાવવવાની કોઈ દ્રષ્ટી કરવામાં આવી નહી. હવે તો ભાવનગરનું જુનું બંદર એક ઓઝલ થઈ ગયેલ સ્વ્પ્નસમાન છે. જ્યાં એક સમયમાં દેશી પરદેશી વહાણોની આવનજાવન થતી ત્યાં હવે દરિયાના પાણી વિહોણા સુકા ધક્કામાં માટી અને ગારાના પોપડા રહી ગયા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *