
સુરત, 19 મે : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને નાનપુરા સ્થિત સમૃદ્ધિ બિલ્ડીંગ, SPB હોલ ખાતે રોજગાર અને તાલીમ નિયામક (DETDET) અને ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન(GSDM) ના સંયુક્ત ઉપક્રમે ‘ઈન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમ’ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી મેરજાએ જણાવ્યું હતું કે, રોજગારદાતા સુરત શહેરે શ્રમ-કૌશલ્યની નવી પરિભાષા આપીને દેશના અન્ય શહેરોને પ્રેરણા પૂરી પાડી છે. રાજ્ય સરકારે રાજ્યમાં 595 આઈટીઆઈ કેન્દ્રો થકી 2.17 લાખથી વધુ તાલીમાર્થીઓને કૌશલ્યબદ્ધ કર્યા છે. ગુજરાતમાં ખેતી ક્ષેત્રે ડ્રોનના વિશેષ ઉપયોગને ધ્યાને લેતા આગામી સમયમાં ડ્રોન ટેકનોલોજી માટે ઈન્સ્ટીટયુટ સ્થપાશે, જેની બજેટમાં પણ જોગવાઈ કરી છે.સરકારની ‘શ્રમનિકેતન’ યોજના અંતર્ગત સુરતના શ્રમિકો માટે વિવિધ કલ્યાણકારી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ‘સંકલ્પ પ્રોજેક્ટ’ થકી રાજ્યમાં ‘બાય ઈન્ડસ્ટ્રી, ફોર ઈન્ડસ્ટ્રી અને એટ ઈન્ડસ્ટ્રી’ના સૂત્ર સાથે ઉદ્યોગક્ષેત્રમાં ઉત્સાહવર્ધક પરિણામો મળી રહ્યા છે. આ ઉપરાંત ‘અનુબંધમ પોર્ટલ’ કૌશલ્યવાન યુવાનો અને ઉદ્યોગકારો માટે રોજગારી સર્જન માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ શ્રમ અને રોજગાર વિભાગની કૌશલ્ય વિકાસ અને તાલીમ, રોજગાર સંવર્ધનના પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, માઈગ્રન્ટ લેબરને સુરતમાં તમામ ક્ષેત્રે સવલત મળી રહે અને કોરોનાકાળ જેવી લેબર કટોકટીની સ્થિતિ ન સર્જાય તે અર્થે કાયમી ધોરણે આવાસીય સગવડની સુવિધા ઔદ્યોગિક સ્થળની 2 કિલોમીટરની ત્રિજ્યામાં ઉભી કરવા અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસ તાલીમ યોજના’ અંતર્ગત સુરત વિભાગમાં વર્ષ 2021-2022 દરમિયાન 27,211 ઉમેદવારોને તાલીમબદ્ધ કરાયા છે. રોજગાર કચેરી, સુરત દ્વારા છેલ્લાં એક વર્ષમાં 97 ભરતીમેળા યોજી કુલ 23,482 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ વેળાએ રાજ્ય સરકારના રોજગાર કૌશલ્ય અને સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત વિવિધ યોજનાઓને દર્શાવતી વિડિયો ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી, ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન(ગાંધીનગર) એમ.ડી. લલિત નારાયણ સિંઘ, શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, જિલ્લા રોજગાર અધિકારી પારુલ પટેલ અને વિવિધ ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત