
સુરત, 20 મે : શ્રમ અને રોજગાર વિભાગના રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ઈતિહાસમાં પ્રથમવાર આજરોજ નાનપુરા બહુમાળી ભવન ખાતે આવેલી સુરત જિલ્લા રોજગાર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લઈને રોજગારી કચેરીની કામગીરીથી પ્રભાવિત થયા હતા. આ કચેરી દ્વારા ભરતીમેળાઓ, રોજગારવાંચ્છુ યુવાનોને રોજગારીની તકો, સ્વરોજગારીનિર્માણ તથા કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન જેવી કામગીરીની મંત્રીએ પ્રશંસા કરી હતી.

મંત્રીએ કહ્યું કે, સુરત એ સૌથી વધુ રોજગારી આપતુ શહેર છે. આ શહેરમાં રોટલો અને ઓટલો બન્ને મળી રહે છે, ત્યારે સુરત રોજગાર કચેરી નોકરીદાતા અને રોજગારવાંચ્છુ યુવાનો વચ્ચે કડીરૂપ ભુમિકા બખૂબીપૂર્વક નિભાવી રહી છે. રાજ્ય સરકાર અનેકવિધ રોજગાર મેળાઓના માધ્યમથી સમગ્ર રાજ્યમાં જાહેર અને ખાનગી ક્ષેત્રમાં લાખો યુવાનોને નોકરીઓ આપી છે. નોકરીદાતાઓ અને ઉમેદવારો વચ્ચે ‘અનુબંધમ પોર્ટલે’ સેતુરૂપ ભૂમિકા અદા કરીને હજારો યુવાનોના સપનાઓ સાકાર કર્યા છે.

મંત્રીએ રોજગાર કચેરીમાં ખાનગી મોટર્સ કંપનીમાં ચાલી રહેલા ઈન્ટરવ્યું બાબતે ઉમેદવાર બહેનો સાથે સંવાદ સાધીને ઉત્તમ કારકિર્દી ઘડતરની શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે નાયબ નિયામક(રોજગાર) મુકેશ સી. વસાવા તથા જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત