
સુરત : હરિધામ સોખડા શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિર દ્વારા આગામી 22મી મે ના રોજ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિતે સણિયા કણદે ખાતે ભવ્ય ” પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ “નું આયોજન કરવામાં આવ્યું છે.આ સમગ્ર કાર્યક્રમ અંગે ગુરુવારે આયોજિત પત્રકાર પરિષદમાં હરિધામ સોખડા શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિરના પ્રવક્તા ત્યાગવલ્લભ સ્વામીએ મીડિયા સમક્ષ વિસ્તૃત જાણકારી આપી હતી.

ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાના જ્યોતિર્ધર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સંપ,સુહૃદ ભાવ અને એકતાના મંત્રથી અને ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજે આત્મીયતા અને દાસત્વથી સમાજને પોષિત કર્યો છે.પ્રભુધારક આ યુગ પુરુષોનો પ્રાગટ્ય દિવસ એટલે કૃતજ્ઞતાને સમર્પિત કરવાનો પાવન અવસર હોય છે.ત્યારે, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો 130મો અને ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજનો 88મોં પ્રાગટ્ય દિવસ એટલે ” પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ “. હરિધામ સોખડા મંદિર દ્વારા આ વખતે આ ” પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ ” સુરતના આંગણે યોજવાનું નક્કી કરાયું છે.22મી મે ના રોજ ડિંડોલી-ખરવાસા રોડ પર સણિયા કણદે ગામ ખાતે આવેલા ચંદનબા ફાર્મ ખાતે સંસ્કારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં સાંજે 6થી 10:30 સુધી મહાપર્વ મહોત્સવ યોજાશે.સાંજે 6થી 7:30 વાગ્યા સુધી મહાપ્રસાદ અને 7:30થી 10:30 વાગ્યા સુધી મહોત્સવ સમારોહનું આયોજન થશે.પ્રાગટ્ય મહાપર્વની ઉજવણી ગુરુદેવ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી મહારાજના સાનિધ્યમાં થશે.જેથી કૃતજ્ઞતા અર્પણ કરવા આ ભવ્ય અને દિવ્ય અવસરે સૌને સપરિવાર પધારવા માટે આત્મીય આમંત્રણ પાઠવીએ છીએ.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત