માંગરોળના પાલોદ ગામે 126 કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરતાં પાણી પુરવઠા મંત્રી

સ્થાનિક
Spread the love

સુરત, 20 મે : આરોગ્ય, જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે માંગરોળ તાલુકાના પાલોદ ગામ ખાતે જલ જીવન મિશન અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો તેમજ તરસાડી નગરપાલિકાના નાગરિકો માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના શુદ્ધ પાણી માટેની રૂ.126 કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વેળાએ નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુ ચૌધરી, કૃષિ ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને પીવાના પાણી ઉપરાંત સિંચાઈનું પાણી પૂરતી માત્રામાં મળી રહે એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. રાજ્યની માતા-બહેનોને પાણી માટે બેડા ઉઠાવી હાડમારી વેઠવી ન પડે એ માટે ઓક્ટોબર-2022 સુધીમાં જ રાજ્યના દરેક ઘરમાં ‘નલ થી જલ’ પહોંચાડવાનો આ સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. ‘નલ સે જલ’ના સંકલ્પને સિદ્ધ કરવાં માટે કેન્દ્ર સરકારની ‘જળ જીવન મિશન’ની ગ્રાન્ટનો સમગ્ર ભારતમાં ગુજરાત સૌથી વધુ અને કાર્યક્ષમ ઉપયોગ કરે છે.આધુનિકતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને સંસ્કૃતિ સાથે જોડીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે આદિવાસી ઉત્કર્ષ માટે આદિજાતિ વસ્તીની ટકાવારી કરતાં સવા બે ગણું બજેટ રાજ્ય સરકાર દર વર્ષે ફાળવે છે.તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિયુક્ત શાસનથી આદિજાતિ સમાજને વિકાસની નવી દિશા મળી છે. ‘લોકોનું કલ્યાણ એ જ પ્રજાનીતિ’ એ મંત્રને આત્મસાત કરી રાજ્ય સરકારે આદિજાતિ સમાજના જંગલની જમીનના અધિકાર, બાળકોના વિનામૂલ્યે શિક્ષણની કાળજી જેવા સંખ્યાબંધ આયામો થકી વિકસિત સમાજની હરોળમાં સ્થાન અપાવવાનું બીડું ઉઠાવ્યું છે

ભૂતકાળમાં નર્મદા ડેમના દરવાજા ચડાવવાની મંજૂરી ન આપીને તત્કાલીન સરકારે રાજ્યને પાણીવિહોણું રાખ્યું હતું, આજે કેન્દ્ર અને રાજ્ય સરકારે સહિયારા પુરુષાર્થથી રાજ્યને જળસમૃદ્ધ બનાવ્યુ છે. ૨૪ કલાક વીજળીની ઉપલબ્ધિથી ગામડાઓ સમૃદ્ધ થયાં છે, અને શહેરો તરફનું સ્થળાંતર અટક્યું હોવાનું પણ મંત્રીએ જણાવી દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી બાંધવો માટે પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક વ્યવસ્થાઓને સુદ્રઢ બનાવવા સરકાર એક્શન મોડમાં હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.

આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે કૃષિસિંચાઈ અને પીવાના શુદ્ધ પાણી માટે રાજ્ય સરકાર સંકલ્પકૃત્ત હોવાનું જણાવી ઉમેર્યું કે, રાજ્યસરકાર આવનારા 5 વર્ષનો રોડમેપ બનાવી પાણી સુવિધા માટે રૂ.500 કરોડ ખર્ચશે. રાજ્યના દરેક ઘરમાં ‘નલ થી જલ’ પહોંચાડી સિંચાઈ અને પીવાના પાણીની કમીને દૂર કરવા સરકાર પ્રયાસરત છે. તેમણે એકલવ્ય મોડેલ શાળાઓ, નિવાસી શાળાઓ, છાત્રાલયોએ આદિજાતિ બાળકોના શિક્ષિત અને દીક્ષિત કરવામાં સિંહફાળો આપ્યો હોવાનું ગર્વથી જણાવ્યું હતું.

કૃષિ, ઊર્જા મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, દેશમાં વર્ષ 2024 સુધીમાં દરેક ઘરપરિવારમાં નળજોડાણ આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2019માં જળ જીવન મિશનની શરૂઆત કરી હતી. આ મિશનને સફળ બનાવવા રાજ્ય સરકાર અવિરત કામગીરી કરી રહી છે, રૂ.126 કરોડની મહુવેજ પરિયોજનાનું સપ્ટેમ્બર-2023માં પુર્ણ થતા જ 34 ગામના લોકોને શુદ્ધ પાણી મળશે. મંત્રીએ પાણી વિનાનું જીવન શક્ય નથી એમ જણાવતાં આવનારી પેઢીના સુખી જીવન માટે પાણીનો બગાડ થતો અટકાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ગણપતવસાવા, વી.ડી. ઝાલાવાડીયા, ઝંખના પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદન ગામીત, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ મીના શાહ, તરસાડી નગરપાલિકા પ્રમુખ મીના વસાવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

માંગરોળ, માંડવી, ઓલપાડ તાલુકાના આ 24 ગામોને મળશે બહોળો લાભ

       માંગરોળ તાલુકાના 31 ગામો જેમાં મહુવેજ, ધામડોદ, નાના બોરસરા, હથુરણ, સિયાલજ, મોટી નરોલી, કુવરદા, હથોડા, કઠવાડા, મોટા બોરસરા, કોસંબા, પીપોદરા, પનસારા, પાલોદ, સમુછલ, કોઠવા, ભાટકોલ, પાણેથા, શેઠી, પાલોદ, લીંડીયાત, વાલેસા, ડુંગરી, વસ્તાન, સુરાલી, મોલવણ, લીમોદરા, અને તરસાડી નગરપાલિકા, જ્યારે માંડવી તાલુકાના 3 ગામોમાં તડકેશ્વર, વરેઠી અને કરંજ તેમજ ઓલપાડ તાલુકાના કન્યાસી ગામને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *