
સુરત, 22 મે : સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ વાર્ષિક પદવીદાન સમારોહ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 183 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ જે રીતે શિક્ષણની કસોટીમાં પાર ઉતર્યા, તે જ રીતે જીવનની વ્યક્તિગત કસોટી તથા સમાજ ઘડતર અને રાષ્ટ્ર કલ્યાણ માટે શિક્ષાનો ઉપયોગ કરી વ્યવસાયિક જગતમાં પણ સફળતાપૂર્વક પાર ઉતરે એમ જણાવી એવી ઉન્નત ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ હવે આગળ ઉચ્ચ અભ્યાસ, નોકરી અથવા કોઈ પણ વ્યવસાય શરૂ કરશે ત્યારે આધુનિક વિષયો પર ચિંતન- મનન કરી ઈનોવેટિવ વિચારો પર રિસર્ચ માટે સરકારની વિવિધ પ્રવર્તમાન સ્કીમોનો લાભ મેળવી સમાજ અને રાષ્ટ્ર માટે એક પ્રેરક બળ બની રહે એવી અભિલાષા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં લોકભાગીદારી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સૌથી વધુ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત સમગ્ર વિશ્વમાં શિક્ષણ માટે જાગૃત્ત રાજ્ય તરીકે ઉભરી આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ભૂતકાળમાં ગામડાના બાળકો શિક્ષણ સુવિધાઓના અભાવને કારણે અલ્પશિક્ષિત રહી જતા હતા, પરંતુ હવે છેવાડાના ગરીબ મધ્યમવર્ગી પરિવારના બાળકો પણ શિક્ષણના વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરી ગુજરાત તથા દેશનું નામ રોશન કરી રહ્યા છે. આપણો વિદ્યાર્થી આપણા જ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આત્મનિર્ભર બનશે. વધુમાં તેમણે કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરતા આજે ગુજરાતમાં ક્વોલિફાઈડ શિક્ષકો અને માળખાકીય સુવિધાઓથી સજ્જ શાળાઓ, કોલેજો જોવા મળી રહી છે. મંત્રીએ સકારાત્મક વિચારો સાથે દેશ અને રાજ્યનું નામ રોશન કરી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી જણાવ્યું હતું કે, શક્તિશાળી તેમજ વિકસિત દેશની પરિભાષા પુર્ણ કરવા શિક્ષણ અને સ્વાસ્થ્ય બંન્ને ઉત્તમ હોવા જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી ખડતલ બનવા અનુરોધ કર્યો હતો. દેશને ભાવિ પેઢી પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે, ત્યારે આ અપેક્ષાઓને પૂર્ણ કરવા અને ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત’ના નિર્માણમાં સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભગવાન મહાવીર યુનિવર્સિટીના કુલપતિ નિર્મલસિંહ, ટ્રસ્ટીઓ સંજય જૈન, જગદીશજૈન,અનિલ જૈન, ડીન વિનોદ ગોયલ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત