
સુરત, 23 મે : ગત દિવસોમાં સુરત શહેર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કોન્ફરન્સ આયોજિત કરીને આદિવાસીઓની લાગણીને માન આપીને પાર-તાપી અને નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી.આ જાહેરાત બાદ સોમવારે સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના આદિવાસી નેતાઓએ હવે આ મુદ્દે સરકાર જ્યાં સુધી શ્વેત પત્ર બહાર ન પાડે ત્યાં સુધી આંદોલન કરવાની જાહેરાત કરી છે અને સરકારે આ સમગ્ર મામલે આદિવાસીઓને લોલીપોપ આપી હોવાના પણ આક્ષેપો કર્યા હતા.
આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે પાર-તાપી અને નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ અંગે ગત 15મી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સિતારામને સંસદમાં જાહેરાત કરી હતી. ત્યાર બાદ 28મી ફેબ્રુઆરીના રોજ આ યોજનાના વિરોધ સાથે હજારો આદિવાસીઓએ ધરમપુરમાં આવેદનપત્ર આપ્યું હતું.બાદમાં સી.આર.પાટીલે આદિવાસી અગ્રણીઓને ગાંધીનગર બોલાવ્યા હતા અને આ પ્રોજેક્ટ અમલમાં નહીં મુકવામાં આવે તેવી ખાતરી આપી હતી.જોકે, બાદમાં આ પ્રોજેક્ટ અંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ 500 કરોડની બજેટમાં ફાળવણી કરી હતી.જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આ પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન હતું. ભાજપાએ ફરી લોલીપોપ આપી આ પ્રોજેક્ટ નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી.હવે, જયારે પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવવવાના છે ત્યારે,મુખ્યમંત્રી અને પાટીલે આ કર્યાની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે.પરંતુ, આ યોજના જ્યાં સુધી જડમૂળમાંથી રદ કરવામાં ન આવે અને સરકાર શ્વેતપત્ર બહાર ન પડે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.આગામી 27મી મે ના રોજ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આમ તમામ પક્ષોના આદિવાસી અગ્રણીઓ અને મંત્રીઓને પણ બોલવવામાં આવ્યા છે.

આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ધારાસભ્ય પુનાજી ગામીત અને સુનીલ ગામીતે પણ આ યોજના સંપૂર્ણપણે રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જયારે,પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીએ કહ્યું હતું કે આ યોજના કેન્દ્ર સરકાર જ રદ્દ કરી શકે છે અને આ પ્રોજેક્ટ રદ કરવો હોય તો ફરીથી લોકસભા અને રાજ્યસભામાં તેને લાવીને નિર્ણય કરવો પડે. મુખ્યમંત્રી આ યોજનાને રદ કરવાની જાહેરાત કેવી રીતે કરી શકે ?
આ યોજના રદ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હોવા છતાં જયારે હવે કોંગ્રેસે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે ત્યારે, આગામી દિવસોમાં હવે આદિવાસી સમાજનું આ આંદોલનને કેટલું જન સમર્થન પ્રાપ્ત થાય છે તે જોવું રહ્યું.ઉક્ત પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈ, કિરણ રાયકા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત