સુરત : ઉદ્યોગ સાહસિકો માટે આયોજિત ચેમ્બરની વોકેશનલ ટ્રેનીંગ કારગત સાબિત થઇ

સ્થાનિક
Spread the love

સુરત, 25 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકોને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી વેલ્યુ એડીશન ચેઇનથી વાકેફ કરવાના હેતુથી વિવિધ કોર્સિસના ભાગરૂપે વોકેશનલ ટ્રેનીંગની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2021-22ની શરૂઆતથી જ વિવિધ કોર્સિસ ડેવલપ કરી વોકેશનલ ટ્રેનીંગ આપવામાં આવી રહી છે, જેને મળેલા બહોળા પ્રતિસાદને પગલે હજી નવા કોર્સિસ ડિઝાઇન કરવામાં આવી રહયા છે અને ઉદ્યોગ સાહસિકો જ નહીં પણ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી તથા અન્ય સેકટરમાં સ્કીલ્ડ થવા માટે ઉત્સાહી યુવાઓને ભણાવવામાં આવી રહયા છે.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે ઝંપલાવનારા યુવા ઉદ્યોગ સાહસિકોને પાવર લૂમ્સથી લઇને પ્રોસેસિંગ યુનિટ સુધીની સમગ્ર વેલ્યુ એડીશન ચેઇનના ગ્રાઉન્ડ લેવલના જ્ઞાનથી અવગત કરાવવા માટે ચેમ્બર દ્વારા વર્ષની શરૂઆતથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા ‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’, ‘કન્વેન્શનલ વિવિંગ’, ‘ટેક્ષ્ટાઇલ ફાયબર્સ એન્ડ યાર્ન’, ‘ડોબી એન્ડ જેકાર્ડ ડિઝાઇનીંગ’, ‘ટેક્ષ્ટાઇલ યાર્ન’ ‘રેપિયર વિવિંગ’, ‘ટેક્ષ્ટાઇલ એટ અ ગ્લાન્સ’ અને ‘ફેબ્રિક એનાલિસિસ’ સર્ટિફિકેટ કોર્સિસ શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં ફેબ્રિક આઇડેન્ટીફિકેશન સર્ટિફિકેશન કોર્સની 14મી બેચ ચાલી રહી છે. જ્યારે ‘ટેક્ષ્ટાઇલ યાર્ન’ની ત્રીજી બેચ ચાલી રહી છે. અત્યાર સુધી 614જેટલા વિદ્યાર્થીઓ ચેમ્બરના સર્ટિફિકેટ કોર્સિસનો લાભ લઇ ચૂકયા છે.આ કોર્સિસ થકી ઉદ્યોગ સાહસિકોને દરેક પ્રકારના ફેબ્રિકની માહિતી આપવામાં આવી રહી છે. તેઓ ફેબ્રિકને સારી રીતે ઓળખી શકે અને ગ્લોબલ માર્કેટમાં જે કાપડની માંગ છે તેનું ઉત્પાદન કરી શકે. જેથી કરીને યુવા ઉદ્યોગ સાહસિકો ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે દાખલારૂપ કામગીરી કરી શકે અને તેના થકી દેશની અર્થવ્યવસ્થાનો પણ વિકાસ થઇ શકે. સાથે જ ઉદ્યોગોના નવા સેકટરોમાં ઝંપલાવનાર યુવાઓ પણ ઉદ્યોગલક્ષી માહિતી મેળવી શકે તે હેતુથી આ સર્ટિફિકેટ કોર્સિસ છેલ્લા એક વર્ષથી કાર્યરત છે.

ગુજરાતીએ વધુમાં જણાવ્યું હતું કે આ વિવિધ સર્ટિફિકેટ કોર્સિસમાં માત્ર યુવા ઉદ્યોગ સાહસિકો જ નહીં પણ કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એમબીએ સ્ટુડન્ટ્સ, એન્જીનિયર્સ, ગ્રેજ્યુએટ તથા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલા પરિવારોના યુવા સંતાનોએ પણ વિદ્યાર્થી તરીકે જોડાઇને વોકેશનલ ટ્રેનીંગ મેળવી હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્ને પણ ખાસ કરીને ‘ટેક્ષ્ટાઇલ એટ અ ગ્લાન્સ’ સર્ટિફિકેટ કોર્સ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી વેલ્યુ એડીશન ચેઇનને સમજવા માટે ઘણો ઉપયોગી સાબિત થયો હતો.આ ઉપરાંત ઉદ્યોગોને સ્કીલ્ડ કર્મચારીઓ પૂરા પાડવા માટે તેમજ રાજ્યના યુવાનોને સ્કીલ બનાવવાના હેતુથી રાજ્ય સરકારના ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મીશન (જીએસડીએમ) અંતર્ગત ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા સંકલ્પ પ્રોજેકટ હેઠળ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટેક્ષ્ટાઇલ સેકટરમાં એપરલનું ટ્રેનીંગ સેન્ટર સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત સરકારના સંકલ્પ પ્રોજેકટ અંતર્ગત ચેમ્બર દ્વારા એપરલ (ગારમેન્ટ) ક્ષેત્રમાં સ્કીલ ડેવલપમેન્ટના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. એપરલ ક્ષેત્ર માટે આસિસ્ટન્ટ ડિઝાઇનર, એકસપોર્ટ આસિસ્ટન્ટ અને ઇન – લાઇન ચેકર કોર્ષ તથા ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે ટેક્ષ્ટાઇલ ડિઝાઇનર, ફેબ્રિક ચેકર અને પેકીંગ ચેકર કોર્ષ ભણાવવામાં આવી રહયા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *