સુરત ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 26 મે : ‘નવી દિશા-નવું ફલક’ શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિત અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વેસુ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની યોગ્ય પસંદગી કરી શકે તે માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગથી વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર વેસુ ખાતે સ્થિત એલ.પી. સવાણી સ્કુલ ખાતે ‘કારકિર્દી માર્ગદર્શન સેમીનાર’ યોજાયો હતો. આ સેમિનારમાં તજજ્ઞ વકતાઓ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ધડતર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉધનાના ધારાસભ્ય વિવેક પટેલે જણાવ્યું હતું કે, આજે કારકિર્દી માટે અનેકક્ષેત્રોમાં નવી રોજગારીની તકોનું નિર્માણ થઇ રહ્યું છે. અનેક મોટી કંપનીઓ ભારતમાં રોકાણ માટે આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી ધડતર માટેની યોગ્ય પસંદગી કરવી જરૂરી છે. રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા સેમિનાર બદલ અભિનંદન પાઠવીને વિદ્યાર્થીઓને ઉત્તમ કારકિર્દીની પસંદગી કરીને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવાની અપીલ કરી હતી.

આ અવસરે તજજ્ઞ વકતા ડો. પવન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીએ જ્ઞાનની સદી છે. ભારતએ યુવાઓનો દેશ છે. ગ્લોબલ વિલેજ બની ગયેલી દુનિયામાં કરિયરના પુષ્કળ વિકલ્પો છે ત્યારે કયા ક્ષેત્રની પસંદગી કરીને જીવનમાં સફળ કારકિર્દી બનાવવી તે દિશામાં વિદ્યાર્થીઓએ મનોમંથન કરવું જરૂરી છે. આવનારા સમયમાં એગ્રો બિઝનેશ, ફોરેન્સીક સાયન્સ, ડેટા સાયન્સ, સી.એ., કેસલેસ ઈકોનોમી, સ્પેસ સાયન્સ, ઓટો મોબાઈલ સેકટર, યોગ, એન્જિનિયરીંગ, વોટર વે, સોલારક્ષેત્રે અભૂતપુર્વ સંભાવનાઓ રહેલી છે ત્યારે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપક દરજી તથા એલ.પી.સવાણી સ્કુલના પ્રતિમાબેન સોની, નેશનલ કરિયર સર્વિસ સેન્ટરના ડો.અમનદીપ સિંગે કારકિર્દી ધડતર માટે પ્રાસંગિક પ્રવચનો કરીને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.આ વેળાએ વિદ્યાર્થીઓ સાથે વન-ટુ-વન કમ્યુનિકેશન કરી તજજ્ઞો દ્વારા તેઓના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે આભારવિધિ જિલ્લા રોજગાર અધિકારીશ્રી પારૂલબેન પટેલ કરી હતી.આ અવસરે મુખ્યમંત્રીના વિડીયો સંદેશ તથા શિક્ષણમંત્રી જીતુ વાધાણીનું ભાવનગર ખાતેથી ઓનલાઈન વકતવ્ય સૌએ નિહાળ્યું હતું.

સરકારના આઈ.ટી.આઈ. સુરત, પશુપાલન, આરોગ્ય, રોજગાર કચેરીએ પોતાના વિવિધ સ્ટોલ દ્વારા અભ્યાસક્રમોની માહિતી પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક ડો.સંગીતાબેન મિસ્ત્રી, એેલ.પી.સવાણીના ધવલભાઈ શીંગાળા, શિક્ષકો, તજજ્ઞો, વિધાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે આગામી 1 જૂન-2022 થી 6 જૂન-2022 સુધી તાલુકાકક્ષાએ માર્ગદર્શક સેમિનારો યોજાશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *