
સુરત, 27 મે : રાજ્યની આર્થિક રાજધાની મનાતા અને વિકાસની હરણફાળમાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ, દેશભરમાં મોખરે રહેતા સુરત શહેરના યુવાનો પણ હવે અનેક ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે. ગત 23થી 25મી મે 2022 સુધી થાઈલેન્ડમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રોલર સ્કેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ આયોજિત કરવામાં આવી હતી.જેમાં, ભારતની યુવા ટીમ વિવિધ દેશોને હરાવીને ચેમ્પિયન બની હતી.

આ ચેમ્પિયન ટીમમાં કુલ ખેલાડીઓ પૈકી 6 ખેલાડીઓ સુરત શહેરના પસંદ થયા હતા અને રમવા માટે થાઈલેન્ડ ગયા હતા.જે સુરત શહેર અને ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના કહી શકાય.આ ખેલાડીઓમાં દર્શન લાખાણી (કેપ્ટન), કુલદીપ લાખાણી (વાઈસ કેપ્ટન),કાવ્ય પટેલ,ક્રિશ ઘોરી,ઓમ પટેલનો સમાવેશ થાય છે.આ તમામ વિજેતા ખેલાડીઓનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં આગમન પ્રસંગે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત સહિત દેશભક્તિના ગીતોની સુરાવલીઓ વગાડવામાં આવી હતી.સમગ્ર એરપોર્ટનું પરિસર દેશભક્તિ સભર ” ભારત માતા કી જય ” અને ‘ વંદે માતરમ ” ના અંડથી ગુંજી ઉઠ્યું હતું.

આ વિજેતા ખેલાડીઓને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ શુભેચ્છાઓ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.સુરત રમતગમત ક્ષેત્રના અગ્રણીઓએ પણ આ ખેલાડીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ વિજેતા ટીમના વાઇસ કેપ્ટન કુલદીપ લાખાણી સુરત જ નહીં પરંતુ, સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં લોકસાહિત્યકાર તરીકે નામના મેળવનારા ઘનશ્યામ લાખાણીના સુપુત્ર છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત