
સુરત, 27 મે : વીર શિરોમણી હિન્દવા સુરજ શ્રી મહારાણા પ્રતાપની 482મી જન્મ જયંતિના અવસરે આગામી 29મી મે ના રોજ અખિલ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ, દક્ષિણ ગુજરાત દ્વારા સ્વાભિમાન સમારોહ-2022નું આયોજન કરવામાં આવ્યું છે.સુરત શહેરના અઠવાલાઇન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 29મી મે રવિવારના રોજ બપોરે 1:30 કલાકે આયોજિત આ સ્વાભિમાન સમારોહ-2022 નિમિત્તે વિસ્તૃત માહિતી આપવા રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા શુક્રવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરિષદમાં ઉપસ્થિત દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજના ઉપપ્રમુખ મદનસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે આમ તો અખિલ ભારતીય રાજપૂત સંમેલન આયોજિત કરવાનું હતું. પરંતુ, હાલ આકરી ગરમી પડી રહી હોઈને દક્ષિણ ગુજરાત સ્વાભિમાન સમરોહ-2022નું આયોજન કરવામાં આવ્યું છે.શિયાળાની ઋતુમાં અખિલ ભારતીય સંમેલનનું આયોજન કરવામાં આવશે.આગામી 29મી મે ના રોજ આયોજિત આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં એકતા વધે અને ભાવિ પેઢી વીર શિરોમણી હિન્દવા સુરજ શ્રી મહારાણા પ્રતાપની શૌર્યગાથાથી પરિચિત બને તે છે.ભાવિ પેઢી રાજકીય, સામાજિક તેમજ વ્યાવસાયિક એમ તમામ ક્ષેત્રમાં વધુ ને વધુ પ્રગતિ કરે તે હેતુથી આ સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે.આગામી 29મી મે ના રોજ આયોજિત આ સમારોહમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુ વાળા,ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શન જરદોશ મેયર હેમાલી બોઘાવાલા, પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,કિરીટસિંહ રાણા, આઈ.કે.જાડેજા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

અટોદરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ સમારોહમાં દક્ષિણ ગુજરાતના રાજપૂત સમાજના વિવિધ 19 સંગઠનો તેમજ કચ્છ-કાઠિયાવાડના વિવિધ 4 સંગઠનો સહિત સમગ્ર રાજ્યના રાજપૂત સમાજના સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.દક્ષિણ ગુજરાતના સુરત શહેર, સુરત જિલ્લો, ભરૂચ,નર્મદા, નવસારી, વલસાડ, વાપી, તાપી, સેલવાસાના અગ્રણીઓ આ સમારોહને સફળ બનાવવા ગામ સભાઓ કરીને ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.શિસ્તને વરેલા રાજપૂત સમાજની ડિસિપ્લિનના આ કાર્યક્રમમાં સૌને દર્શન થશે.આ સમારોહની વિશિષ્ટતા એ છે કે ભાઈઓ અને બહેનો અલગ અલગ પ્રકારના ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહેશે.રાજપૂત સમાજના ભાઈઓ બેલ્ક પેન્ટ,સફેદ શર્ટ અથવા ટી-શર્ટ, કેસરી સાફા તેમજ બ્લેક શૂઝમાં તેમજ બહેનો કેસરી સાડી તેમજ કેસરી ડ્રેસમાં ઉપસ્થિત રહેશે.આજના યુવાનોમાં નેશન ફર્સ્ટની વિચારધારા વધુ પ્રબળ બને , આધુનિક યુગના યુવાનોમાં ટેક્નોલોજીની સાથે સાથે સંસ્કારો અને સભ્યતાનું સિંચન થાય તે હેતુથી આ સમારોહનું આયોજન શ્રી મહારાણા પ્રતાપની 482મી જન્મ જયંતિના અવસરે કરવામાં આવ્યું છે.
આ પરિષદમાં કચ્છ-કાઠિયાવાડ રાજપૂત સમાજના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા, દક્ષિણ ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ દિલીપસિંહ ખાચર, વાલોડ રાજપૂત સંઘના પ્રમુખ સંજયસિંહ ચૌહાણ સહિત સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત