
સુરત, 27 મે : સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા શુક્રવારે આયોજિત પત્રકાર પરિષદમાં એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરીયાએ જણાવ્યું હતું કે નાના અને મોટા વેપારીઓ સીધા ખરીદદારોને સંપર્કમાં આવે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું B2B ‘ કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો ‘નું આયોજન વર્ષ 2018 જુલાઈમાં તેમજ ઓગષ્ટ 2019માં અવધ યુટોપિયા-સુરત ખાતે કરવામાં આવ્યું હતું.બન્ને એક્ઝિબિશન ખુબ જ સફળ રહ્યા હતા.વર્ષ-2020-21માં કોરોનાની મહામારીના કારણે આ આયોજન કરી શક્યા ન હતા.દરેક જવેલરીના ઉત્પાદક અને ઝવેરીઓ સસ્તા ડાયમંડની શોધમાં હોય છે ત્યારે કેરેટ્સ એક્સપોએ તેમને નવા સપ્લાયર્સ આપ્યા છે.B2B ‘ કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો ‘એ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા છે.ઉત્પાદકો અને વેપારીઓ આ પ્રકારના એક્સ્પોના માધ્યમથી મોટા ખરીદદારોના સીધા સંપર્કમાં આવવાથી B2B વ્યવહારોને વેગ મળ્યો છે.આથી, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા 15થી 17 જુલાઈ-2022 દરમિયાન અવધ યુટોપિયા-સુરત ખાતે ત્રીજી વાર ‘ કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો ‘નું આયોજન કરવામાં આવ્યું છે.

પત્રકાર પરિષદમાં ઉપસ્થિત સુરત ડાયમંડ એસોસીએશનના મંત્રી દામજી માવાણીએ જણાવ્યું હતું કે, ત્રીજીવાર યોજાનાર B2B કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પોમાં નેચરલ ડાયમંડની સાથોસાથ સીવીડી ડાયમંડ (લેબગ્રોન), જ્વેલરી મેન્યુફેક્ચર્સ, જ્વેલરી તેમજ ડાયમંડ ટેકનોલોજીના બુથ રાખવામાં આવેલ છે. આ વર્ષે એક્ઝિબિશનમાં નેચરલ લુઝ ડાયમંડ્સમાં ગુલાબ કટ, પોલ્કી, નેચરલ ફેન્સી રંગીન વગેરે જેવા તમામ પ્રકારના હીરાના કટનું પ્રદર્શન રહેશે.

એક્ઝિબિશન કન્વીનર ગૌરવ સેઠીએ જણાવ્યું હતું કે 150 બુથની અમારી વ્યવસ્થા છે. જેની સામે 170 બુથની માગ ઉભી થઇ છે. પ્રિમિયમ બાયર્સને કોમ્પલીમેન્ટરી સ્ટે આપવા માટે અવધ ઉટોપિયા ક્લબ્સમાં 350 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આઠથી દસ શહેરોમાં રોડ શો કરવામાં આવેલ છે અને હજુ વધુ આગામી સમયમાં ભારતના નાના મોટા 30થી 40 મુખ્ય શહેરોમાં જઈ રોડ શો કરવામાં આવશે. વિદેશમાં અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ તેમજ થાઈલેન્ડથી બાયર્સ આવે તે માટે માર્કેટિંગ શરુ થઇ ગયેલ છે. કેરેટ્સની મુલાકાત લેવા દેશ વિદેશથી ખુબ જ ઓનલાઈન વિઝીટર્સ રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે. અંદાજીત 15000 વિઝીટર્સ આવશે તેવી અપેક્ષા છે
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત