
સુરત, 27 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એવોર્ડ્સ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે શનિવાર 28મી મે ના રોજ સાંજે 6 કલાકે સરસાણા ખાતે પ્લેટીનમ હોલમાં ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે. એવોર્ડ પ્રેઝન્ટેશન ફંકશનમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના સીઇઓ દિલીપ ઓમેન મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી, એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન રજનીકાંત મારફતિયા અને ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્ મંત્રી તથા ટ્રસ્ટના માનદ્ મંત્રી ડો. અનિલ સરાવગીએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને વર્ષ 1990માં ઉદ્યોગ અને વેપારની સેવા કરતા 50 વર્ષ પુર્ણ થતા ગોલ્ડન જ્યુબિલિની ઉજવણી કરવામાં આવી હતી. જે તે સમયના ચેમ્બરના પ્રમુખ રજનીકાંત મારફતિયાએ ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરવાનું વિચાર્યુ હતું અને ત્યારબાદ વર્ષ 1990માં આ ટ્રસ્ટની સ્થાપના થઇ હતી.

ગોલ્ડન જ્યુબિલી ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન ક્ષેત્રે નવિનતા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તથા શૈક્ષણિક શ્રેષ્ઠતાના આધારે વિવિધ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા નિયમિતપણે જુદી–જુદી કેટેગરી જેવી કે આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન, પોલ્યુશન કન્ટ્રોલ, આર એન્ડ ડી, એનર્જી એફિશિયન્સી વિગેરે ક્ષેત્રે એવોર્ડ્સનું વિતરણ કરે છે. ટ્રસ્ટ દર વર્ષે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે યોગ્યતાના આધારે એવોર્ડ્સનું વિતરણ કરે છે. ટ્રસ્ટના એવોર્ડ સન્માનિત એવોર્ડ તરીકે ગણાતા હોય એ ટ્રસ્ટ માટે ગૌરવની વાત છે.ગોલ્ડન જયુબિલિ એવોડર્સ યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે નિમણૂંક કરવામાં આવે છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ 2019-20 અને 2020-21 માટે 15 કેટેગરી જેટલા એવોડર્સ આપવામાં આવશે.
છેલ્લા બે વર્ષ દરમ્યાન સુરત શહેરમાં કોવિડ– 19મહામારીની સમસ્યાને પહોંચી વળવા તેમજ લોકડાઉન દરમ્યાન ઉદ્યોગોને માઠી અસર નહીં પહોંચે તથા ધંધા – રોજગાર ચાલુ રહે તે માટે અત્યંત કૂનેહપૂર્વક વહીવટ કરવા માટે સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવશે. કોવિડની મહામારી દરમ્યાન સુરતના ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેકટને અસર નહીં થાય અને આ પ્રોજેકટના લીધે ધંધા – ઉદ્યોગોને વેગ મળે તે દિશામાં મહત્વની કામગીરી કરી છે. સાથે જ સુરતમાં ટેકનીકલ ટેક્ષ્ટાઇલ્સના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને પ્રોડકટ ડેવલપમેન્ટમાં સિંહફાળો આપવા માટે પણ સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવશે.

આ ટ્રસ્ટ તરફથી ભુતકાળમાં નામાંકીત કંપનીઓ જેવી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એલ એન્ડ ટી, શેલ હજીરા, એસ્સાર, કૃભકો, ઓએનજીસી, એનટીપીસી, સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ, બારડોલી શુગર તથા જાણીતા ઉદ્યોગપતિઓ સેવંતી શાહ, ગોવિંદ ધોળકીયા, વી. કે. બેદી, વસંતગજેરા, ભોગીલાલ બચકાનીવાલા, ગફુર બિલકીયા, નિમીશ વશી, એચ.એસ.કોહલી, શંકર સોમાણી, જયેશ દેસાઇ (સુમુલ ડેરી), લવજીદાલીયા (બાદશાહ), રાજુ શ્રોફ, પ્રમોદ ચૌધરી, સુરતના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્ર કુમાર, અનુપમ રસાયણના આનંદ દેસાઇ અને કલર ટેકસના જયંતિ કબુતરવાલાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્રણ વર્ષ પહેલા પ્રથમ વખત રિલાયન્સના એસ. એસ. કોહલી અને શહેરના અત્યંત પ્રતિષ્ઠિત વડીલ એવા પદ્મશ્રી યઝદી કરંજીયાને લાઇફ ટાઇમ એચિવમેન્ટ વિશિષ્ઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બધા એવોર્ડમાં સુરત ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્વલંત કામગીરી કરનારી કંપનીઓને એવોર્ડ આપવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત