
સુરત, 27 મે : મીની સૌરાષ્ટ્ર તરીકે જાણીતા સુરત શહેરના વરાછા રોડ ખાતે પ્રાણી સંગ્રહાલયની બાજુમાં જકાતનાકા નજીક આવેલા તક્ષશિલા બિલ્ડિંગમાં અકસ્માતે આગ લાગતા 22 જેટલા માસુમ દીકરા-દીકરીઓનો ભોગ લેવાયો હતો.આ દુઃખદ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા.આવી દુઃખદ ઘટના ફરી વાર ન બને અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ગત 22મી મે ના રોજ સુરત મનપા અને સેઇફ ઇન્ડિયા હીરો પ્લસ દ્વારા ટીજીબી હોટલના મેરેડિયન હોલમાં એક એવોર્ડ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ સમારોહમાં અબ્રામા સ્થિત પ્રસિદ્ધ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલને તેમની શાળામાં વર્ષ 2019-20માં શ્રેષ્ઠ ફાયર ફાઇટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા બદલ ” બેસ્ટ સ્કૂલ ” નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.આ એવોર્ડ સમારોહમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા મનપાના ડેપ્યુટી કમિશનર એન.પી.ઉપાધ્યાય અને પબ્લિક હેલ્થ કમિટીના ચેરમેન પારુલ વડગામાના હસ્તે પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલના પ્રતિનિધિ વલ્લભ ચોથાણીએ સ્વીકાર કર્યો હતો.આ સમારોહમાં દિપક માખીજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર અમિત ગોરસીયા અને નીતિન મિસ્ત્રીને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે NBC ( નેશનલ બિલ્ડીંગ કોર ) ના નિયમ પ્રમાણે અબ્રામા સ્થિત પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.જેના ભાગરૂપે આ સ્કૂલને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત