
આટકોટ, 28 મે : જસદણના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. હોસ્પિટલના અધિકારીઓ દ્વારા વડાપ્રધાનને રેતી દ્વારા ચિત્રકામ કરેલ તસ્વીર ભેટ આપી સ્વાગત કર્યું હતું.રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,સાંસદ સભ્યો તેમજ શહેર અને જીલ્લાના ધારાસભ્યો ,જીલ્લા અને શહેરના પદાધિકારીઓ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું તેમજ સ્વાગત પ્રવચન કર્યું હતું.
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, મને આંનદ છે કે આજે આ માતૃશ્રી કે.ડી.પી મલ્ટીસ્પેશિયાલીસ્ટનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ સેવાને વધુ સારી બનાવવામાં મદદ કરશે. જયારે સરકારના પ્રયાસમાં જનતાનો પ્રયાસ જોડાય ત્યારે સેવા કરવાની આપણી શક્તિ અનેક ગણી વધી જાય છે. રાજકોટમાં બનેલ આ આધુનિક હોસ્પિટલ એક ઉત્તમ ઉદાહરણ છે. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર રાષ્ટ્ર સેવાના આઠ વર્ષ પુરા કરી રહી છે. આજે ગુજરાતની ઘરતી પર આવ્યો છું ત્યારે નતમસ્ક થઇને ગુજરાતની દરેક જનતાનું આદર પુર્વક નમન કરુ છું. ગુજરાતની જનતાએ સમાજમાં કેવી રીતે જીવું ,કેવી રીતે લોક કલ્યાણના કામ કરવા તે દરેક વાત શિખવાડી છે તે વાતને કારણે સતત આઠ વર્ષ માતૃ ભૂમિની સેવામાં મે કોઇ કસર બાકી રાખી નથી. આ તમારા સંસ્કાર છે,આ માટીના સંસ્કાર છે, પૂજય બાપુ અને સરદાર વલ્લભ ભાઇ પટેલની પવિત્ર ધરતીના સંસ્કાર છે. આઠ વર્ષમાં ભૂલથી પણ કોઇ કામ એવું નથી કર્યુ કે કરવા નથી દીધું જેના કારણે તમારે કે દેશના કોઇ નાગરીકે તેનુ શિર નમાવવું પડે.આ વર્ષોમાં ગરિબની સેવા,સુશાસન અને ગરિબ કલ્યાણ કરવાના કામને પ્રાથમિકતા આપી છે. સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ આ મંત્ર પર ચાલી દેશના વિકાસને નવી ગતી આપી છે. આ આઠ વર્ષમાં પૂજય બાપુ અને સરદાર વલ્લભ ભાઇ પટેલના સ્વપ્નના ભારત બનાવવા ઇમાનદારીથી મહેનત કરી છે. પૂજય બાપુ એવું ભારત ઇચ્છતા હતા કે જે દરેક ગરિબ,દલિત વંચિત,પીડિત,આદિવાસી ભાઇ-બહેન સૌને સશક્ત કરવા, સ્વાસ્થ સુધરે તેવા પ્રાયસ કરવા. ભાજપની સરાકેર ત્રણ કરોડથી વધુના પાકા ઘરો દસ કરોડથી વધુ લોકોને ખુલ્લામાં શૌચ કરવાથી મુક્તી, 9 કરોડથી વધુ બહેનોને ધુમાડાથી મુક્તી,અઠી કરોડથી વધુ ગરીબ પરિવારોને વિજળીનું કનેકશન, 6 કરોડ થી વધુ પરિવારને નળ સે જલ,પચાસ કરોડથી વધુ ભારતીયોને પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવારની સુવિઘા આ માત્ર આંકડા નથી પરંતુ ભાજપ સરકારે આપેલ કામનું પ્રમાણ છે. આજે આખો દેશ જોઇ રહ્યો છે 100 વર્ષના સૌથી મોટા સંકટ કોરોના મહામારીના સમયમાં દેશે અનુભવ કર્યો . મહામારીમાં ગરિબ સામે ખાવા પિવાની સમસ્યા સર્જાઇ તો દેશના અન્ન ભંડાર દેશવાસીઓ માટે ખોલી દીધા,મહિલાઓને સન્માનથી જીવે તે માટે જનઘન ખાતા દ્વારા સિધા રૂપિયા જમા કરવામાં આવ્યા,ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા. ભાજપ સરકારે મફત ગેસ સિલિન્ડર આપવાની વ્યવસ્થા કરી જેનાથી ગરીબના ઘરનો ચુલો સળગી રહે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનામાં ટેસ્ટીગથી લઇ સારવાર ગરિબ માટે આપવાની શરૂઆત કરી.દરેક ભારતીયને ફ્રીમાં રસી મળે તે માટે ભાજપ સરકારે ચિંતા કરી. રશિયા અને યુક્રેનના યુદ્ધને સમાચાર દરેકને ચિંતિંત કર્યા ત્યારે આપણા દેશના ગરીબ,મધ્યમ વર્ગના લોકોને કપરી સ્થિતિનો સામનો ન કરવો પડે તેની ચિંતા સરકારે કરી. ભાજપની સરકાર દરેક નાગરિકને 100 ટકા યોજનાનો લાભ મળે તેનું અભિયાન ચલાવી રહી છે. જે યોજનાનો હકદાર છે તેને તેનો હક્ક મળવો જોઇએ.દરેક વ્યકિત સુધી યોજના પહોચાડવાનું લક્ષ્ય હોય ત્યારે ભેદભાવ,ભ્રષ્ટાચાર, પરિવાર વાદ નો ભેદ રહેતો નથી. રાજય સરકારને સતત આ કામ માટે પ્રેરિત કરી રહ્યા છીએ.અમારો આ પ્રયાસ દેશના ગરિબ,મધ્યવર્ગને સશક્ત અને મજબૂત કરશે તેમનુ જીવન સરળ બનશે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળી છે તેનું કામ ઝડપથી થઇ રહ્યું છે.જામનગરમાં વિશ્વનું ટ્રેડિશનલ મેડિસીનનું મોટુ સેન્ટર WHO દ્વારા મળ્યું છે. બે દસક પહેલા 2001માં ત્યારે ગુજરાતમાં માત્ર ને માત્ર 9 મેડિકલ કોલેજો હતી અને ડોકટર બનવા 1100 બેઠક જ હતી. આજે સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળીને 30 મેડિકલ કોલેજ એકલા ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ દેશમાં પણ જીલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવી ઇચ્છા છે. મેડિકલ બેઠકો આજે આઠ હજાર જેટલી છે. ડબલ એન્જીનની સરકારે ગુજરાતના વિકાસને નવી ઉચ્ચાઇએ લઇ જવાનું કામ કર્યું છે. વિકાસની અડચણને દુર કરી છે જેનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. ઇન્ફાસ્ટ્રકચરનો ઝડપી વિકાસનો લાભ ગુજરાતને મળ્યો છે.ગુજરાતના હાઇવે વધુ મોટા થયા એર કનેકટીવીટ વધી છે.રોરો ફેરી સર્વિસ ચાલુ થઇ છે અને સુરત થી કાઠીયાવાડ હવે ગણતરીના કલાકોમાં પહોચાય છે. એમએસઇ ગુજરાતની સૌથી મોટી તાકાત તરીકે ઉભરી છે. આજે બંદરો ધમ ધમી રહ્યા છે.આજે ગુજરાતની તાસીર બદલાઇ છે. આજે દવાની મોટી કંપનીઓ સૌરાષ્ટ્રની ધરતીઓ પર આવી છે. વન ડિસ્ટ્રીક વન પ્રોડકટનું મોટુ અભિયાન આપણે આખા દેશમાં શરૂ કર્યુ છે. ગુજરાતને આગળ લઇ જવા માટે દિલ્હીની સરકાર અને ગાંઘીનગરની સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. આયુષ્યમાન યોજના અંગે જણાવ્યું કે આ યોજનાથી યુરોપના દેશોની સંખ્યા કરતા વધુ લોકો લાભ લે તેવી યોજના છે અને 50 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખ સુઘીની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. ગરીબ અને ગરીબોને પડતી તકલીફ મારે ચોપડે નથી વાંચવી પડી,ટીવીના પડદા પર નથી જવું પડતું. ગુજરાતની માતાઓને કહેવા માંગુ છું કે દિલ્હીમાં તમારો દિકરો બેઠો છે માતાઓને દુખ ન પડે, રૂપિયાના અભાવે સારવાર ન અટકે તે કામ આયુષ્યમાન યોજનાથી થશે. મને આનંદ છે કે આ હોસ્પિટલમાં પણ આયુષ્યમાન યોજનાનો લાભ મળશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે કે જાહેર જીવનમાં પ્રધાનમંત્રીનો કાર્યકાળ ખૂબ લાંબો અને સફળ રહ્યો છે જેના આપણે સૌ ગુજરાતીઓ સાક્ષી છીએ, આપણે સૌએ એવું ગુજરાત જોયું છે કે જ્યાં વાળું ટાણે વીજળી જતી રહે, પાણી માટે તો કહેવતો બનતી હતી અને દીકરીની સુવાવડ માટે એમ્બ્યુલન્સ નહોતી મળતી પરંતુ નરેન્દ્ર મોદીના સુશાસનની અંદર એમના સિદ્ધાંતો અને તેમની કાર્યશૈલીના પરિણામે આજે ગુજરાતે બહુમુખી વિકાસની કેળી કંડારી છે. આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, તેમના સૌના સાથ અને સૌના વિકાસના પરિણામે ગુજરાત વિકાસનો પર્યાય બન્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ અંતરીયાળ વિસ્તારમાં સુપર મલ્ટી સ્પેસિયાલિટી હોસ્પિટલો બની છે અને આપણી ભાવિ પેઢી એવા બાળકોની ચિંતા ગુજરાત સરકારે કરી છે. આજે આટકોટને પણ મલ્ટી સ્પેસિયાલિટી હોસ્પિટલની અધ્યતન ભેટ મળી છે.
પટેલે અંતમાં જણાવ્યુ કે, આપણે જાણીએ છીએ કે મધ્યમ વર્ગ કે ગરીબ પરિવારના લોકોને જ્યારે મોટી બીમારીની આફત આવે છે ત્યારે તેમની વર્ષોની બચત કરેલી માત્ર સારવાર પાછળ વપરાઇ જાય છે અને આ બધા સંકટોમાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને બહાર કાઢવા માટે જન-જન સુધી આરોગ્ય અને સેવાઓ પહોંચાડવા માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ PMJY યોજના શરૂ કરી છે, વિનામુલ્યે આરોગ્ય સેવા પૂરી પાડતી આ વિશ્વની સૌથી મોટી યોજના છે જે આપણાં માટે ગૌરવની વાત છે. ગુજરાતમાં આપણે PMJY અને શ્રી માં અમૃતમ્ યોજના હેઠળ 44 લાખ 85 હજાર પરિવાર એટલે કે 2 કરોડ 25 લાખ લોકોને આવરી લેવાયા છે. દેશના દરેક નાગરિકને સસ્તા ભાવે દવાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજાનાએ વેગવાન બનાવી છે જેના કારણે ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીના દવાઓના ખર્ચમાં માતબર ઘટાડો થયો છે. માત્ર સરકાર જ નહીં સેવાભાવી સંગઠનો, સંસ્થાઓ પણ આવા સેવાકીય કાર્યોમાં જોડાયા છે. સર્વે ભવન્તુ સુખીને સાકાર કરતી આવી મલ્ટી સ્પેસિયાલિટી હોસ્પિટલો સામાન્ય ગરીબ વંચિત માટે આરોગ્ય સુખાકારીનું ધામ બન્યું છે. હવે આપણાં દીકરા દીકરીઓને ગુજરાતમાં સારામાં સારું મેડિકલ શિક્ષણ મળે છે અને આવનાર દિવસોમાં નવી 8 મેડિકલ કોલેજો શરૂ થવાની છે. દેશમાં તેમના માર્ગદર્શનમાં આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે ઉજવાઇ રહ્યો છે ત્યારે જન જન સુધી સ્વાસ્થ્ય સેવાનું અમ્રુત પહોંચાડવાનું આ એક ઉત્તમ માધ્યમ બનશે.
ભરતબોઘરાએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે આરોગ્યરૂપી સુર્યનો પ્રકાશ સૌરાષ્ટ્રના ગરીબ લોકોના ઘરે પહોંચે તે માટે આજે વડાપ્રધાન આપણા આંગણે આવ્યા છે ત્યારે દરેક સૌરાષ્ટ્રના ભાઇ-બહેનો વતી વડાપ્રઘાનનુ સ્વાગત કરુ છું.મેડિકલમાં પ્રેકટીસ કરતો ત્યારથી માર મનમાં એક વિચાર હતો કે સૌરાષ્ટ્રના લોકો માટે સારવાર મળે તેવી હોસ્પિટલ બનાવી છે. વડાપ્રધાનના જીવનમાંથી માર્ગદર્શન લઇને આજે 200 બેડની હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. આપણે બઘા ગામડામાં નથી રહેતા આપણે પીએમ મોદી ના દિલમાં રહીએ છીએ. આજે તેઓ વ્યસ્ત શિડ્યુલ માંથી આપણા આરોગ્યની ચિંતા કરી આપણને પ્રોત્સાહન આપવા આવ્યા છે.આ હોસ્પિટલમાં 100 ટકા આયુષ્યમાન કાર્ડ ઘારકને લાભ મળશે. જે દર્દીને કાર્ડ રિન્યુલનો પ્રશ્ન હશે તેના માટે આયુષ્યમાન ડેસ્ક રાખવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ ,ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ,કેન્દ્રિય મંત્રીઓ મનસુખ માંડવીયા, પરષોત્તમ રૂપાલા, ડૉ મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્યસરકાર ના મંત્રીઓ ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી,પૂર્વ રાજ્યપાલ વજુવાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદો, ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત