સુરત ચેમ્બરની લેડીઝ વીંગ અને વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘માસિકા મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 28 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ અને વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સંયુકતપણે ‘માસિકા મહોત્સવ’ અંતર્ગત પિડીયાટ્રિક હોલ, બીજો માળ, સમૃદ્ધિ, સરસાણા, સુરત ખાતે મહિલાઓ માટે મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડો. અમીબેન યાજ્ઞિક દ્વારા મહિલાઓને માસિક અંગે વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી. સાથે જ માસિક સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓ દુર થાય તથા માસિક સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાતા તેમજ પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાપડના પેડ અને મેન્સ્ટ્રુઅલ કપનો વિશે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત નુક્કડ નાટક અને પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

ઉપરોકત કાર્યક્રમમાં ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સ્વાગત પ્રવચન કર્યું હતું. લેડીઝ વીંગના ચેરપર્સન રમાબેન નાવડિયાએ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં કિશોર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવનાર રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ તથા સ્ત્રીઓના હિત માટે કાર્ય કરનાર વામા વેલનેસ સેન્ટર ફોર વુમનના સંયુકત ઉપક્રમે તા.21થી 29 મે, 2022 દરમ્યાન સુરત તથા તેની આજુબાજુના વિસ્તારમાં ‘માસિકા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત નુક્કડ નાટક, પ્રદર્શન અને સંવાદ થકી સમજણ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. ડો. અમીબેન યાજ્ઞિક અને સાર્વજનિક યુનિવર્સિટીના સ્વયંસેવકોની ટીમ દ્વારા રજૂઆત કરાઇ રહી છે.

માસિકા મહોત્સવ અંતર્ગત જ ચેમ્બર દ્વારા રવિવાર, તા.29 મે, 2022ના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યામિની વ્યાસ, પ્રગ્ના વશી, ડો. મુકુલ ચોકસી, ડો. વિવેક ટેલર, સંધ્યા ભટ્ટ અને સાત્વી ચોકસી ભાગ લેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *