સુરત : બ્રેઈનડેડ પવન જૈનના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને આપ્યુ નવજીવન

સ્થાનિક
Spread the love

સુરત,28 મે : મૂળ ગામ ઢુમાની બજાર, જીલ્લો-બર્ધમાન, પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલ સુરત વિધાતાનગર સોસાયટી, ભૈયાનગર, પુણાગામ ખાતે રહેતા પવન મહાવીર જૈન ગુરુવાર 26મી મે ના રોજ સવારે નાસ્તો કરી બેઠા હતા ત્યારે બ્લડપ્રેસર વધી જવાથી અને ઉલટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર માટે તેમને કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.
શુક્રવાર, 27મી મે ના રોજ ન્યુરોફીસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે પવનભાઈને બ્રેનડેડ જાહેર કર્યા. કિરણ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી પવનભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મેહુલ પંચાલ સાથે રહી પવનભાઈના પુત્ર દીપક, જમાઈ વિકાસ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

પવનભાઈના પુત્ર દીપકે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા ત્યારે અમે વિચારતા કે આ એક ઈશ્વરીય કાર્ય છે. આજે જયારે મારા પિતાજી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળતું હોય તો અંગદાન કરાવવા માટે આપ આગળ વધો. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવર દાન માટે જણાવ્યું. SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. બંને કિડનીઓનું દાન સુરતની કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે સ્વીકાર્યું, લિવરનું દાન ડો. ધનેશ ધનાણી, ડો.મિતુલ શાહ, ડો.પ્રશાંથ રાવ અને તેમની ટીમે સ્વીકાર્યું જયારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પીટલના ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વાલીયા, ભરૂચના રહેવાસી 22 વર્ષીય યુવાનમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી 28 વર્ષીય યુવતીમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 53 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. જયારે બંને ચક્ષુઓ માંથી એક ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ 68વર્ષીય મહિલામાં, બીજા ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ 54 વર્ષીય વ્યક્તિમાં કિરણ હોસ્પિટલમાં ડૉ.સંકીત શાહ દ્વારા કરવામાં આવ્યું છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં પવનભાઈના પત્ની પુષ્પાબેન, પુત્ર દીપક, પુત્રી પૂજા અને પ્રીતિ, જમાઈ વિકાસ અને પંકજ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સંજય તાંચક, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ અને ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1014 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 426 કિડની, 182 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 328 ચક્ષુઓના દાનથી કુલ 927 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *