
સુરત, 29 મે : સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ત્રણ વર્ષ પૂર્વે, ગોઝારી તક્ષશિલા અગ્નિકાંડની ઘટના ઘટી હતી.આ દુઃખદ ઘટનામાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યાં હતાં. આ દુર્ઘટના જયારે ઘટી તે સમયે આગથી પોતાનો જીવ બચાવવા બાળકોને ચીસો પાડતા જોઈને, તેમને મદદ કરવા માટે જતીન નાકરાણી નામનો યુવાન આગળ આવ્યો હતો અને પોતાના જાનના જોખમે, તેણે 15 બાળકના જીવ બચાવ્યા હતા.આ ઘટનામાં બાદમાં આગની તીવ્રતા વધતા જતીને પોતે ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં ઈજાને કારણે તે કોમામાં સરી પડ્યો હતો.છેલ્લા 3 વર્ષથી તે પથારીવશ છે. માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે પોતાની યાદશક્તિ ગુમાવી બેઠો છે. તેનું કુટુંબ ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. તેના પરિવારની આ સ્થિતિ હોવાનું સમાચારમાં આવ્યા બાદ, દેશ-પરદેશથી મદદનો ધોધ વહ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના હોદ્દેદારો તેના ઘરે પહોંચ્યા હતા અને તેને સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા, 5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.

ભાજપના પ્રદેશ અધ્યક્ષએ તેના પરિવારને આ તબક્કે તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. આગામી દિવસોમાં જતીનને મેડિકલ સારવારની જરૂર હોવાથી, ઓપરેશન માટેનો જે પણ ખર્ચ થશે એમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના આરોગ્યલક્ષી ફંડમાંથી પણ તેને સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું.જતીન નાકરાણીના પરિવારની આર્થિક સ્થિતિ અંગે, સોશિયલ મીડિયામાં આવ્યા બાદ છેલ્લા 4 દિવસમાં 30 લાખથી વધુની સહાય તેના પરિવારને મળી છે. હજુ પણ સહાય મળી રહી છે.પોતાના પ્રાણની પણ પરવા ન કરનારા જતીને, 15 અમૂલ્ય જિંદગીને બચાવી છે ત્યારે, સમાજના દરેક વર્ગમાંથી તેને હાલ મળી રહેલી સહાય યથોચિત અને પ્રશંસનીય છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત