
સુરત, 30 મે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના’ હેઠળ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવ્યા હોય તેવા દેશભરના બાળકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધી સહાય એનાયત કરી હતી. આ નિરાધાર બાળકોને 23 વર્ષ પૂર્ણ થયા બાદ રૂા.10 લાખની સહાય મળશે.આ યોજના હેઠળ સુરત જિલ્લામાં 22 બાળકોને આવરી લેવામાં આવ્યા છે
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રીય રેલવે,ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શના જરદોશ, ધારાસભ્ય ઈશ્વર પરમાર, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલ તથા યોજના હેઠળ આવરી લેવાયેલા બાળકો જોડાયા હતા.મંત્રીના હસ્તે બાળકોને સ્કુલ બેગ તથા સહાયના સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

આ અવસરે પ્રધાનમંત્રીએ દેશભરના બાળકો સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પોતાના માતા-પિતા ગુમાવ્યા હોય તેવા હતભાગી બાળકોની પડખે સમગ્ર દેશ ઉભો છે. આવા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની અનેક યોજનાઓ હેઠળ તેમને આવરી લેવામાં આવ્યા છે. બાળકોના આરોગ્ય, શિક્ષણની જવાબદારી સરકાર વહન કરશે. વડાપ્રધાનએ બાળકોને સારા પુસ્તકોને મિત્ર બનાવવા અનુરોધ કર્યો હતો. ફિટ ઈન્ડિયા, ખેલો ઈન્ડિયા તથા યોગ જેવા અનેક અભિયાનોમાં જોડાઈને જીવનમાં નાસીપાસ થયાં વિના મક્કમ મનોબળથી સંકલ્પસિદ્ધિના માર્ગે આગળ વધવાનો પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત