
સુરત, 30 મે : કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથના ઉત્થાન માટે 31મી મે 2022થી 6 જૂન 2022 દરમિયાન અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો “સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન” યોજાશે. નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈ 31 ના રોજ સાંજે 5 વાગ્યે આ મેળાનું ઉદ્દઘાટન કરશે.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય સરકારની છેલ્લા 20 વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ રાજ્યના 100 જેટલા ગ્રામીણ મહિલાજુથોને ઉત્પાદિત ચીજવસ્તુના વેચાણ થકી પ્રોત્સાહિત કરવા અને આત્મનિર્ભર મહિલા કે આત્મનિર્ભર ગામના સૂત્રને સાર્થક કરવા એક બજાર વ્યવસ્થા પૂરી પાડવાનો છે.
જિલ્લા કક્ષાના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. અહીં રાજ્યભરના વિવિધ જિલ્લાઓની હસ્તકલા હેન્ડલૂમ અને વિવિધ ફૂડ પ્રોડક્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં 100થી વધુ સ્ટોલ ઉભા થશે. જેમાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઈનોવેટિવ પ્રોડક્ટ, ડિજિટલ પેમન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલ,બેસ્ટ સેલર અને બેસ્ટ કોવિડ-19નાં નિયમોનું પાલન કરતા અને કરાવતા સ્ટોલને પણ પુરસ્કારથી નવાજવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત