
સુરત, 30 મે : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે આવતીકાલ 31 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલપ્રદેશના શિમલા ખાતેથી કેન્દ્ર સરકારની 13 જેટલી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે. જે અંતર્ગત કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શના જરદોશના અધ્યક્ષસ્થાને અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સવારે 10 વાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન સુરતના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.

આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, માતૃવંદના અભિયાન, સ્વચ્છ ભારત મિશન, જલજીવન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વન નેશન વન રેશનકાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, PMJY યોજના, આયુષ્માન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટર તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજના એમ 13 જેટલી યોજનાઓના લાભાર્થીઓને બહોળી સંખ્યામાં લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અનેક યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનમાં સરળતા, સુગમતા લાવવા સાથે સંતૃપ્તિની શક્યતાઓ શોધવાનો પણ છે.આ પ્રસંગે મેયર, જિલ્લા પંચાયત પ્રમુખતથા ધારાસભ્યો, પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત