
સુરત : ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારની સ્વ-સહાય જુથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ માટેના જિલ્લા કક્ષાનો ‘ગાંધી શિલ્પ બજાર-2022’ને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે ખુલ્લો મુકયો હતો.

સુરતના આંગણે અડાજણ સ્થિત SMC પાર્ટી પ્લોટ, (જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં), ખાતે 29 મે થી 7 જુન દરમિયાન સવારે 11 થી સાંજના 9 વાગ્યા દરમિયાન ભારતભરમાંથી વિવિધ ગ્રામ્ય વિસ્તારની સ્વ-સહાય જુથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ જેવી કે આર્ટ અને ક્રાફ્ટની ચીજવસ્તુઓ વાંસ, લેધરમાંથી બનાવેલી અવનવી વસ્તુઓ, સુશોભન માટેની વસ્તુઓ, સિલ્ક-કોટન સાડી, વાર્લી પેઈન્ટિંગ, કચ્છી ભરતકામ, ખાખરા જેવી અનેક ચીજવસ્તુઓના 100 જેટલા સ્ટોલો પ્રદર્શન તથા વેચાણ માટે ઉપલબ્ધ છે.

આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, દેશભરના અંતરિયાળ વિસ્તારમાંથી આવેલા હસ્તકલાકારોને પોતાની વસ્તુઓના વેચાણ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું છે. આજના આધુનિક યુગ અનુસાર ચીજવસ્તુઓ તૈયાર કરીને આધુનિકતાની સાથોસાથ પરંપરાગત હુન્નરને પણ જીવંત રાખ્યો છે એમ જણાવી સૌ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતભરના આર્ટ એન્ડ ક્રાફ્ટ હુન્નરબાજોમાં છુપાયેલા હુન્નરને યોગ્ય દિશા મળે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ રાજયોમાં પ્રદર્શન દ્વારા કલાકારોને આર્થિક પીઠબળ અને કલાને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેના કારણે ઘર આંગણે ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓને ખરીદવાની તક મળી છે ત્યારે સૌ શહેરીજનોને મોટી સંખ્યામાં ખરીદી કરવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પુર્વ મંત્રી નરોતમ પટેલ, સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, અગ્રણી મુકેશ દલાલ તેમજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત