
સુરત, 30 મે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના’ હેઠળ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવ્યા હોય તેવા દેશભરના બાળકો સાથે ડિજિટલી જોડાઈને કેન્દ્ર સરકારના 8 વર્ષની પૂર્ણતાની સંવેદનાસભર ઉજવણી કરી હતી. વડાપ્રધાનએ કોરોનાના વિકટ સમયમાં માતા-પિતા ગુમાવનાર બાળકોની દેખરેખ અને ભવિષ્યની સુરક્ષા પ્રદાન કરવા માટે 29મી મે-2021ના રોજ ‘પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન’ યોજનાની શરૂઆત કરી હતી.આ યોજના અંતર્ગત સુરત જિલ્લાના 22 બાળકોને આવરી લેવામાં આવ્યા છે.

વડાપ્રધાને આજે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત સુરત જિલ્લામાં કુલ-22 બાળકોના ખાતામાં શિષ્યવૃત્તિ સીધી જમા કરાવી લાભાન્વિત કરવામાં આવ્યાં હતાં. શહેરના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા આ યોજનાના 19 વર્ષીય લાભાર્થી રૂધાંત મનિષ દાવરે જણાવ્યું હતું કે, હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારા પિતાનું 8 વર્ષ અગાઉ કેન્સરની બિમારીમાં નિધન થયું હતું. એક વર્ષ પહેલા કોરોનાના કારણે મારી માતાનું પણ નિધન થયું હતું. આમ, પહેલા પિતા ત્યારબાદ માતાનું અવસાન થતા મારા પરથી છત્રછાયા છીનવાઈ ગઈ હતી. પરંતુ સરકારની ‘પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન’ યોજનાએ મને માતાપિતા સમાન હૂંફ પૂરી પાડી છે. હાલ હું અને મોટી બહેન મુસ્કાન અમારા દાદી સાથે રહીએ છીએ. મુશ્કેલીના સમયમાં શિક્ષણ, આરોગ્યની જવાબદારી લઈને અનેકવિધ યોજનાઓના લાભો આપવા બદલ રૂધાંતે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

તેણે વધુમાં જણાવ્યું કે, મને દર મહિને ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ હેઠળ રૂ.4000 ની સહાય, આયુષ્યમાન કાર્ડ થકી રૂા.5 લાખનું વીમા કવચ, 18 વર્ષની ઉંમરથી માસિક સ્ટાઇપેન્ડ સાથે 23 વર્ષની ઉંમર બાદ રૂા.૧૦ લાખની સહાય પ્રાપ્ત થશે. જે મારા જીવનને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઉપરાંત, ઉચ્ચ અભ્યાસ માટે પ્રધાનમંત્રીના કેર ફંડમાંથી લોન સહાય પણ મળશે.

પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના સુરતની નીતા ઝીંઝાળા માટે બની સંકટ સમયની સાંકળ

કોરોનાના કપરાકાળ દરમિયાન માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના આશાનું એક નવું કિરણ બનીને ઉભરી છે, જેણે કેટલાય અનાથ બાળકોને તેમના સપના પૂરા કરવાનો એક અવસર આપ્યો છે. સુરત શહેરના ગોડાદરામાં રહેતા 18 વર્ષીય નીતા ખોડા ઝીંઝાળા કોરોના કાળમાં નિરાધાર બનતા આ યોજના તેના માટે સંકટ સમયની સાંકળ બની છે. 3 ભાઈ બહેનોમાં સૌથી મોટી નીતા ધો.12માં અભ્યાસ કરે છે.

માતા અને પિતાનું છત્ર ગુમાવનાર નીતાને જ્યારે આ યોજનાનો લાભ મળ્યો ત્યારે ભણી ગણીને પગભર થવાની તેમની આશા ફરી જીવંત થઇ, જે માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો અંતરથી આભાર માની સરકાર આ જ પ્રકારે ગરીબો-વંચિતો માટે સતત કાર્ય કરતી રહે તેવા આશિષ પણ તેણે આપ્યા હતાં. સરકારની મદદથી શિક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા સાથો સાથ 18 વર્ષ સુધી મળતા આરોગ્ય કવચ માટે પણ તેણે સરકારનો આભાર વ્યક્ત કરી હવે ઉચ્ચ શિક્ષા માટે આ સહાયનો ઉપયોગ કરી પગભર બનીશ એવી ઈચ્છા વ્યકત કરી હતી.

આમ, પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના દેશભરના હજારો નિરાધાર બાળકોના જીવનમાં નવો ઉજાસ લઈને અંધકારમય ભાવિમાંથી ઉગારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત