સુરત : TUFSના દાવાઓના ઝડપી નિકાલ માટેના બે દિવસીય કેમ્પને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્યમંત્રી

સ્થાનિક
Spread the love

સુરત : કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલયની ટેક્ષટાઈલ કમિશનર કચેરી દ્વારા TUFS (ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ) ના દાવાઓના ઝડપી નિકાલ માટે મંત્રા સુરતના MANTRA (મેનમેઇડ ટેક્ષટાઈલ રિસર્ચ એસોસિએશન)ના કોન્ફરન્સ હોલ ખાતે 30 અને 31 મે દરમિયાન આયોજિત બેદિવસીય કેમ્પને કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે અંદાજિત 100 જેટલા કેસોના દાવાઓનું નિરાકરણ કરાયું હતું.
આ પ્રસંગે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, TUFS હેઠળના તમામ પેન્ડિંગ દાવાઓના નિકાલને ઝડપી બનાવવા માટે ટેક્ષટાઈલ વિભાગ દ્વારા કાપડ ઉદ્યોગસાહસિકો સુધી ડોર ટુ ડોર જઈને આઉટરીચ કેમ્પ યોજવાનો અને ક્લસ્ટરોને લગતા કેસો માટે જરૂરી સ્પષ્ટતાઓ/દસ્તાવેજો એકત્ર કરવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે ટેક્ષટાઈલ કમિશનરની કચેરી દ્વારા બેંગલુરૂ, કોઈમ્બતુર, અમદાવાદ અને મુંબઈ બાદ સુરત ખાતે આઉટરીચ/ક્લિયરન્સ કેમ્પ યોજી રહ્યાં છીએ એમ જણાવી આ કેમ્પ દ્વારા ટફ યોજનાના બાકી દાવાઓનું ઝડપી નિરાકરણ આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

જરદોશે વધુમાં કહ્યું કે, પી.એલ.આઈ.( પ્રોડક્શન લિંકેડ ઇન્સેન્ટીવ) સ્કીમ હેઠળ મેનમેડ ફાઈબર, રેડીમેડ ગારમેન્ટ અને ટેકનીકલ ટેક્ષટાઈલનો સમાવેશ થાય છે. ભારતમાં 67 માંથી 7 પી.એલ.આઈ. સ્કિમ ગુજરાતમાં કાર્યરત છે. તેમણે ટેક્ષટાઇલ તેમજ હેન્ડલુમ ઉદ્યોગની માહિતી અને સચોટ જ્ઞાન લોકો સુધી પોહોચે તેના ભાગરૂપે શહેરની યુનિવર્સિટીમાં ટાઈ-અપ કરી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા સુચન કર્યું હતું. તેમણે કોરોનાના કપરા સમયમાં ભારતે સ્વદેશી PPE કીટનું મોટા પાયે ઉત્પાદન કરી વૈશ્વિક સ્તરે આગવી ઓળખ બનાવી હોવાનું પણ ગર્વથી ઉમેર્યું હતું.

ટેક્ષટાઈલ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકારે સંખ્યાબંધ પગલાઓ ભર્યા છે, ત્યારે ટફ યોજનાની સબસિડી સંબંધિત ઉદ્યોગકારોને વહેલી તકે મળી રહે એ માટે કેન્દ્ર સરકારે સામે ચાલીને આઉટરીચ કેમ્પ થકી કાપડ ઉદ્યોગકારોને સરળતા રહે એવો અભિગમ અપનાવ્યો છે. સમગ્ર દેશના સૌથી મોટા ટેક્ષટાઈલ ઉદ્યોગના ક્લસ્ટરોમાં સમાવેશ પામતા સુરત શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધુ માળખાગત મૂડીરોકાણ કાપડ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને તેની મશીનરીમાં થઇ રહ્યું છે, ત્યારે વિશ્વમાં કાપડમાં મેનમેઈડ ફાયબરનો હિસ્સો 75 ટકા હોવાથી સુરત પણ આ ક્ષેત્રમાં બહુમૂલ્ય પ્રદાન કરે એ હેતુથી મેનમેઈડ ફાયબર પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપસ્થિત ઉદ્યોગકારોને મંત્રીએ અનુરોધ કયો હતો.
નોંધનીય છે કે, TUFS યોજના અંતર્ગત સબસિડી મેળવવા હેતુ બેંકમાં કુલ 6 મુખ્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે, ત્યારે ગુજરાતમાં 2831 ટફના કેસો નોંધાયેલા હતા, જે પૈકી અત્યાર સુધી 1254 ના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે મંત્રાના પ્રેસિડેન્ટ રજનીકાંત બચકાનીવાલા, વાઈસ પ્રેસિડેન્ટ જયવદન બોડાવાલા, ટેક્ષટાઈલ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઉષા પોલ, એડિશનલ ટેક્ષટાઈલ કમિશનર એસ.પી.વર્મા, જેઆઈટીનું સંચાલન કરનાર ટેક્ષટાઈલ કમિટીના અધિકારીઓ અને સુરત વિભાગની 32 નોડલ બેંકો અને 12 પીએલઆઈ, ટેક્ષટાઈલ ઉદ્યોગકારો અને ટેક્ષટાઈલ મંત્રાલય અને મંત્રાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *