
સુરત, 31 મે : સરકારના ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરતના અઠવા ફાર્મ કેમ્પસ સ્થિત અસ્પી શકીલમ બાયોટેકનોલોજી કોલેજના સભાખંડ ખાતે પી.એમ. કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત 261 જેટલા ખેડૂત ભાઈ-બહેનોને સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ સ્વઅનુભવ જણાવી માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ.રાકેશ કે.પટેલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતની પ્રવૃતિઓ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હિમાચલપ્રદેશના શિમલા ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતો.
આ વેળાએ સંયુક્ત ખેતી નિયામક કે.એસ.પટેલે ખેતીવાડીની યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતાં. સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો રામચંદ્ર પટેલ (ભટગામ), મહેશ પટેલ(એરથાણ), ચેતનપટેલ (કરંજ) તથા મનહર લાડે (ઓલપાડ) પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો જણાવી ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કરી આ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે નાયબ ખેતી નિયામક (તાલીમ) એન.જી.ગામીત, સુરતના પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા) અને જિલ્લા ખેતીવાડી અધિકારી તથા ખેતીવાડી, બાગાયત, આત્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત