
સુરત, 31 મે : કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથના ઉત્થાન માટે 31 મે -2022થી 6 જૂન-2022દરમિયાન અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષાનો ‘સખી મેળો’ તેમજ ‘વંદે ગુજરાત પ્રદર્શન’નું નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈએ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કર્યું હતું.

મેળામાં કલાકસબીઓની હસ્તકલા, હેન્ડલૂમ અને વિવિધ ફૂડ પ્રોડક્ટસ ઉપલબ્ધ બની છે. મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં 100થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે.રાજ્ય સરકારની છેલ્લા ૨૦ વર્ષની વિકાસયાત્રાની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ સામેલ છે. અહીં 109 જેટલા ગ્રામીણ મહિલાજુથોને ઉત્પાદિત ચીજવસ્તુના વેચાણ થકી પ્રોત્સાહિત કરવા અને આત્મનિર્ભર મહિલા કે આત્મનિર્ભર ગામના સૂત્રને સાર્થક કરવા એક બજાર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

આ પ્રસંગે ધારાસભ્ય ઝંખના પટેલ, ડે. મેયર દિનેશ જોધાણી, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, પદાધિકારીઓ અને સ્ટોલધારકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત