
સુરત, 31 મે : 31મી મે-વિશ્વ ટોબેકો નિષેધ દિવસે વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુલમાં “હાય રે તમાકુ ! મેં તને રાખી, તે મને ન રાખ્યો!?’ વિષય પર યુવા પેઢીને તમાકુના દુષ્પરિણામોની સમજ આપતો જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. આસી.પોલીસ કમિશનરશ્રી આર.આર.આહીરની તેમજ સંતોની ઉપસ્થિતિમાં બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા, માવા વગેરેના સેવનથી માણસને અગ્નિદાહ દેવો પડે તે પહેલા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં બીડી, સિગારેટ, ગુટખાના જથ્થાને અગ્નિદાહ આપી જીવનમાંથી પણ આ દૈત્યને સદાને માટે તિલાંજલિ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ગુરૂકુલના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતમાં 44 કરોડ કિલો તમાકુનું ઉત્પાદન થાય છે, અને દેશના 30 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે. જેમાં 60 ટકા પુરુષો અને 30 ટકા મહિલાઓ એક યા બીજી રીતે તમાકુનું સેવન કરે છે. વિશ્વમાં દર વર્ષે 3 કરોડ લોકો તમાકુની ઘાતક અસરોથી મોતને ભેટે છે, તે પૈકી દસ ટકા એટલે કે 33 લાખ લોકો તમાકુયુક્ત બીડી, સિગારેટના ધુમ્રપાનથી મૃત્યુને ભેટે છે. દુનિયામાં જેટલા મૃત્યુ થાય છે તેમાં હત્યાથી 40 ગણા, આત્મહત્યાથી 30 ગણા અને ડાયાબિટીસથી 18 ગણા મૃત્યુ તમાકુના સેવનથી થાય છે.
પ્રભુ સ્વામીએ વધુમાં કહ્યું કે, અમેરિકાના આદિવાસીઓએ તમાકુની શોધ કરી અને કોલંબસ આ દૈત્યને ભારતમાં લઈ આવ્યો. સમજુ અને શિક્ષિત વર્ગ આ દૈત્યને જાણતો હોવા છતાં બીડી-સિગારેટ-ગુટકા-માવા-તમાકુ વગેરેની પાછળ વર્ષ દરમ્યાન રૂ.25 થી 30હજાર વેડફે છે, અને જાણે અજાણે મોતને દાવત દે છે. આ જ રૂપિયાને જો તેઓ પોતાના સંતાનોને દૂધ, ઘી, કાજુ-બદામ ખવડાવે તો સ્વસ્થ સમાજનુ નિર્માણ અવશ્ય થઈ શકે.

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી નો અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટ સંસ્થાનના પણ 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ગુરૂકુલ દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યસનમુક્તિ અભિયાન સંતો અને યુવાનો ચલાવી રહ્યા છે. જેમાં લોકોને સમજણ મળતા વ્યસનમુક્ત બની પોતાના જીવન અને પરિવારને તંદુરસ્ત તથા સુસંસ્કારવાન બનાવવાનો સંકલ્પ પણ લઈ રહ્યાં છે .ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસ તથા પ્રભુ સ્વામી સહિતના સંતો તેમજ ઉપસ્થિત ભાવિકોએ ‘નો ટોબેકો ડે’ પ્રસંગે લોકો વ્યસન છોડે, સ્વસ્થ ભારતના નિર્માણ માટે સહયોગી બને એવી પ્રાર્થના કરી હતી. વ્યસન છોડનાર યુવાનોને બિરદાવી સંતોએ આશીર્વાદ આપ્યાં હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત