
સુરત, 31 મે : ચોમાસાની ઋતુ પહેલાં ખેડૂતોને યોગ્ય અને ગુણવત્તાયુક્ત દવા-બિયારણ અને ખાતર મળી રહે, ઉપરાંત ખેડૂતોને તેના ઉપયોગથી પાકને નુકસાન ના થાય એ માટે સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) સુરત દ્વારા આંતર જિલ્લા સ્ક્વોડની રચના કરી સુરત અને તાપી જિલ્લામાં કુલ વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરી 22 વિક્રેતાઓને શો કોઝ નોટિસો પાઠવવામાં આવી હતી.

સુરત જિલ્લાના સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા વલસાડ જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એન.કે ગાબાણીની આગેવાની હેઠળ અને સુરત જિલ્લામાં તથા નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક પી. આર ચૌધરીની આગેવાની હેઠળ તાપી જિલ્લામાં સ્ક્વોડ ટીમ દ્વારા ગત તા.25મે થી તા.28 મે સુધી ખાતર, દવા અને બિયારણનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં દવા, બિયારણ અને ખાતરનું વેચાણ કરતા વિક્રેતાઓ ખાતર નિયંત્રણ હુકમ, બિયારણ અધિનિયમ તેમજ જંતુનાશક દવા અધિનિયમોના, નિયમાનુસાર વેચાણ કરે છે કે કેમ? તેમજ ગુણવત્તા નિયંત્રણને લગતી ચકાસણી કરી દવા, બિયારણ અને ખાતરનાં શંકાસ્પદ લાગતા સુરતમાં 9 અને તાપી જિલ્લામાં 11 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતાં. તેમજ સુરત જિલ્લામાં રૂ.18.27 લાખ તથા તથા તાપી જિલ્લામાં રૂ.11.33 લાખ ના જથ્થાનું વેચાણ અટકાવવામાં આવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત