સુરત : પરિણીતાને પરેશાન કરતા સાસરીયાઓની સાન ઠેકાણે લાવતી અભયમ આવી

સ્થાનિક
Spread the love

સુરત,1 જૂન : આઠ વર્ષના લગ્નજીવન દરમિયાન સાસરી પક્ષની શારીરિક માનસિક હેરાનગતિથી ત્રાસી ગયેલી સુરતના કતારગામની પરિણીતાએ 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરીને મદદ માંગતા કતારગામ અભયમ રેસ્કયુ ટીમે સ્થળ પર પહોંચી અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પારિવારીક ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું હતું, અને લાંબા વિખવાદનો અંત લાવવામાં સફળતા મળી હતી.
કતારગામ વિસ્તારમાં રહેતી દિવ્યાબેન (નામ બદલ્યું છે)ના લગ્નને આઠ વર્ષ થયાં છે, અને તેમને બે સંતાન છે. તેમના લગ્ન અન્ય જ્ઞાતિમાં થયાં હતાં. અભયમ ટીમને દિવ્યાબેને સાસરી પક્ષના ત્રાસની કથની વર્ણવતાં કહ્યું કે, સાસરીવાળા મને અવારનવાર ‘ગામડાની છે’ એમ કહી ટોર્ચર કરે છે. ઘરના કામકાજ બાબતે મહેણાંટોણા મારે છે. સાસુ વાતવાતમાં ઝઘડા ઉભા કરી હેરાન કરવાની એક પણ તક જતી કરતાં નથી. તેમનેને મારૂ કોઈ કામ ગમતું નથી. ઘરેણાં પહેરીને બહાર નીકળવા નથી દેતા. હદ તો ત્યારે થઈ જ્યારે સાસરીવાળા મને વળગાડ છે તેવું કહી ભુવા ભગત પાસે લઈ જઈ માનસિક હેરાનગતિ કરવા લાગ્યા.
દિવ્યાબેને કહ્યું કે, આજે પણ સાસરીવાળા ભુવાને ઘરમાં લઈ આવ્યા હતા અને મને વિધિ માટે ભુવા સામે બેસાડતા હતાં, ત્યારે આખરે 181 અભયમને કોલ કરી મદદ માંગી હતી.અભયમ ટીમ દ્વારા સાસરીવાળા સાથે વાતચીત કરી આ રીતે અંધશ્રદ્ધા રાખવી એ પરિવારની સુખશાંતિ માટે ઘાતક છે એવી સમજ આપી હતી. ઉપરાંત, વહુને ખોટી રીતે હેરાન કરવી, ત્રાસ ગુજારવો એ ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ ગુનો બને છે એવી કાયદાકીય ચીમકી આપતાં સાસરિયાઓની સાન ઠેકાણે આવી ગઈ હતી. અભયમે એકબીજાને અનુકુળ બનવાનો અનુરોધ કરતા સાસરીવાળાએ પોતાની ભૂલ કબૂલી હતી, અને ભુવા-ભગતોના ચક્કરમાં નહીં પડીએ એવી ખાતરી આપી હતી.આમ, અભયમને પારિવારીક ઝઘડાનું સુખદ સમાધાન કરવામાં સફળતા મળી

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *