રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા કરવેરામાં રાહત આપતી વળતર યોજના વધુ બે મહિના માટે લંબાવાઈ

પ્રાદેશિક
Spread the love

સુરત,1 જૂન : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના જૂન અને જૂલાઇ એમ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે
. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો 30 જૂન-2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 7 ટકા વળતર આપવામાં આવશે.એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે 30 જૂન-2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 12 ટકા વળતરનો લાભ મળશે
. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’નો લાભ નગરોના વધુ નાગરિકો લઇ શકે તેવો ઉદાત્ત અભિગમ પણ મુખ્યમંત્રીએ દાખવ્યો છે. તદઅનુસાર, નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ 1 જુલાઇ-2022થી 31 જુલાઇ-2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરનારા નાગરિકોને 5 ટકા વળતર મળવાપાત્ર થશે.આ જ સમયગાળા દરમ્યાન ઇ-નગર મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરાની રકમ ભરનારા લોકોને વધુ પાંચ ટકા વળતર મળવાપાત્ર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *