
સુરત : ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે આર.ડી.ડી. ડો.રીશિ માથુરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાગૃહમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ડો.માથુરે સર્વે જિલ્લાના વડાઓને તેમના જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસના નિયંત્રણ માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી સઘન બનાવી, પેમ્પલેટ,બેનર દ્વારા જનજાગૃતિ લાવીને આગોતરૂ આયોજન કરવાં સૌ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત હાઈરિસ્ક ગામો પર પુરતુ ધ્યાન આપી તકેદારી લેવા જણાવીને દવાઓની ઉપલબ્ધતા, લોકોમાં રોગના લક્ષણો જણાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે, ઝડપી ટેસ્ટીંગ થઈ શકે એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખેતીવાડી, પશુપાલન વિભાગના અધિકારીઓ સાથે લેપ્ટોને નિયંત્રણમાં રાખવા અંગેની જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવા બાબતની સુચનાઓ આપવામાં આવી હતી.નોંધનીય છે કે, ગત 2021ના વર્ષમાં લેપ્ટોના19 કેસ તથા 3 મૃત્યુ નોંધાયા હતા.
બેઠકમાં સ્ટેટ એપિડેમોલોજિસ્ટ જયેશ સોલંકીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મેડિકલ ઓફિસરો, પેરામેડિકલ સ્ટાફ, ફાર્મસીના પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોને માર્ગદર્શન અપાયું હતું. તેમણે સૌ અધિકારીઓને સાથે મળીને રોગના નિયંત્રણ માટે કામગીરી કરી મૃત્યુ આંક નીચે લઈ જવા અંગેની વિગતો આપી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત