
સુરત, 2 જૂન : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે યોજાનાર કાર્યક્રમ સંદર્ભે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશપટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જનપ્રતિનિધિઓ,પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મંત્રીએ બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓ માટે વાહન, પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા, રૂટ મેપિંગ, વાહન પાર્કિંગ, મેડિકલ ટીમ, મીડિયા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત જનપ્રતિનિધિઓ,પદાધિકારીઓએ પણ પરસ્પર સહકાર અને સંકલનથી વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય એ અંગે રચનાત્મક સૂચનો કર્યા હતાં.

બેઠકમાં સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઈશ્વર પરમાર, મોહન ઢોડીયા, ઝંખના પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, નિવાસી અધિક કલેક્ટર વાય. બી.ઝાલા, સિટી પ્રાંત અધિકારી જી.વી. મિયાણી, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, પદાધિકારીઓ,વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સંબંધિત મુસદ્દાઓ સાથે વિગતવાર તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.આ બેઠક બાદ મંત્રીએ સિંચાઈ, પાણી પૂરવઠા, ડ્રેનેજ અને જી.ઈ.બી. સંબંધિત પ્રશ્નો બાબતે વિભાગીય અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને સમસ્યાઓ બાબતે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યાં હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત