સુરત APMC ખાતે દક્ષિણ ગુજરાતના પ્રથમ ‘અમૃત્તમ રિટેલ આઉટલેટ’નું ઉદ્દઘાટન

સ્થાનિક
Spread the love

સુરત, 2 જૂન : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલે સુરત શહેરના મગોબ, પુણા કુંભારીયા સ્થિત APMCમાં દક્ષિણ ગુજરાતના પ્રથમ ‘APMC અમૃત્તમ રિટેલ આઉટલેટ’ અને સુમુલ પાર્લરનું ઉદ્દઘાટન કર્યું હતું. સમગ્ર રાજ્યના ખેડૂતોની પેદાશોનું પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન કરી નિકાસ દ્વારા ખેડુતોને વધુ ભાવો મળી રહે તેવા આશયથી રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે. ખેડૂતોને સીધો ફાયદો થાય એવા આશયથી ટામેટા, કેરી જેવી અન્ય પેદાશોની ખરીદી અને પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન કરી કેરીનો રસ, અથાણા, ટામેટાનો પલ્પ, કેચઅપ જેવી ખાદ્ય પેદાશોનું વેચાણ અને નિકાસ થઈ શકશે. અહીં સુમુલ ડેરીની પણ પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવશે.

મંત્રી પટેલે જણાવ્યું હતું કે, સુરત APMC યોગ્ય વહીવટ અને મેનેજમેન્ટના કારણે કૃષિ વ્યસ્વ્થાપનમાં રાજ્યભરમાં અગ્રેસર રહી છે. સંસ્થાએ કોરોનાના કપરાકાળ દરમિયાન સમગ્ર સુરત જિલ્લામાં પોષણક્ષમ દરે શાકભાજીની સમયસર હોમ ડિલીવરી આપવાનું ઉમદા કાર્ય કર્યું હતું. લીલા કચરામાંથી ગેસ બનાવવાનું કાર્ય પણ સુરત APMC કરી રહી છે જે સરાહનીય છે.રાજ્ય સરકારે વર્ષ 2022ના બજેટમાં ખેતરમાં જંતુનાશક દવાના ઝડપી છંટકાવ માટે ડ્રોન પદ્ધતિ અને કમલમ ફ્રુટનું ઉત્પાદન વધારવા ખાસ જોગવાઈ કરી છે. કમોસમી વરસાદના કારણે થતા પાકના નુકસાનને ઘટાડવા ગામે-ગામ ‘ઓટો વેધર સિસ્ટમ’ લગાવવામાં આવશે એમ જણાવતાં આ સિસ્ટમમાં વરસાદના આગમનની આગોતરી જાણ ખેડૂતોને થતા ખેતી વધુ સુવિધાજનક બનશે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે APMCના ચેરમેન રમણ પટેલે જણાવ્યું હતું કે, સુરત APMC દર વર્ષે ખેડૂતો પાસેથી 600થી 800 ટન કેરી, અન્ય ફળો અને શાકભાજી જથ્થાબંધ ખરીદે છે. સંસ્થા તેમાંથી કેરીનો રસ, જુદા જુદા જ્યુસ,પલ્પ, કેરીનું અથાણું, ટોમેટો કેચઅપ અને ટોમેટો જામ જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન છેલ્લા 3 વર્ષથી કરી રહી છે. APMC દ્વારા કૃષિપાક, ફળ અને શાકભાજીની ખરીદી સાથે મૂલ્યવૃદ્ધિ થવાથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ગુણવત્તાસભર કેરીના રસનું વેચાણ ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, યુરોપિયન દેશોમાં પણ કરી રહ્યા હોવાની વિગતો આપી હતી.આ પ્રસંગે APMC ના વાઈસ ચેરમેન અને જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ, અન્ય અધિકારીઓ, વ્યાપારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *